મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, May 31, 2017

લઘુવાર્તા ''સબંધોનો અજવાશ''

લઘુવાર્તા
''સબંધોનો અજવાશ''

સપનાબેન રસોડામાં ભાખરી બનાવી રહ્યા હતા. રસોડાનો એક એક ખૂણો ચમકતો હતો. પૂર્વમાં સુંદર નકશીકામ વાળું દેવસ્થાન શોભતું હતું.સંધ્યા ખીલી હતી અને જતાં જતાં સૂર્યદેવે ચંદ્રિકા ને ખો આપી હતી. વૈશાખના વાયરા લૂ ઓકતા હતા, અસહ્ય બફારો હતો . દીવાબત્તી થઇ  ગયા હતા,ગુલાબની સુગંધવાળી અગરબત્તી આખા ઘરને ગુલાબમય બનાવતી હતી. સપનાબેન પણ મધુર કંઠે યમુનાષ્ટક  ગાઈ રહ્યા હતા.नमामि यमुना महं ....હાથ ભાખરી વણતા હતા, કંઠ ગાઈ રહ્યો હતો પણ મનમાં ગજબની ગડમથલ ચાલતી હતી . ઘરની, કુટુંબની,બાળકોની,પડોશીની ચિંતા કરનારું પાત્ર એટલે એક ઘરગથ્થું ગૃહિણી ! વિચારતા હતા કે સાગર તો આજે મોડા આવવાના છે, કોઈ મીટીંગ છે ઓફીસમાં, આમે ય શનિવારે તો એમને કામ વધારે જ રહે છે. પણ હમણાં કૃતાર્થ આવી પહોચશેં અને તરત જ જમવાનું માગશે.
ગઈ કાલે કૃતાર્થનો રૂમ સાફ કરતી હતી ત્યારે તેના પેન્ટના ખિસ્સામાં સિગરેટ મળી હતી...એ વાત સાગરને કરવી કે નહિ ? ખુબ ડર લાગે છે વાત કરતા ! ક્યાંક ગુસ્સામાં ને ગુસ્સામાં કૃતાર્થને કંઇ કહી બેસશે તો ? આજના જુવાનજોધ છોકરાને કાંઇક કહેવું એટલે સો ગળણે ગાળીને પાણી પીવા જેવું છે, નહિ તો પછી વાતનું વતેસર થઇ જાય.ત્યાં જ મોબાઈલ રણક્યો. ભાખરી ચડવીને ગેસ બંધ કર્યો ને હાથ લુછી ને ફોન લીધો.
 સપનાબેન:- ''હેલ્લો, હા સ્નેહા મને હતું જ કે હમણાં ફોન આવશે તારો ! કેમ છે તું બેટા ? ''
સ્નેહા- '' હા મમ્મા મજામાં છું. થોડું કામ રહે છે પણ મેનેજ થઇ જાય છે. જસ્ટ ઉઠીને તને ફોન કર્યો. કેમ છે કુકુ ને પપ્પા ? બાકી કોઈ પંચાતમાં ?''
સપનાબેન - બધા મજામાં છે બેટા. કુકુ આવવો જોઈએ હમણા, પપ્પાને મોડું થશે આજે. પંચાતમાં ખાસ કઈ છે નહિ બેટા. હા, મહેશકાકાના દીકરા પૃથ્વીનું સગપણ નક્કી થયું છે. છોકરી આમ તો સારી છે પણ સમય જતાં બધું પરખાય.''
સ્નેહા--'' લ્યે મમ્મા, આટલી મોટી વાત તું મને કહેતી નથી ? હું આજે જ પૃથ્વીભાઈને મેસેજ કરું છું. તારી ભાષામાં વધામણાં તો કરવા જ જોઈએ ને ? પપ્પાની  તબિયત કેમ રહે છે ? સુગર અને પ્રેશર કન્ટ્રોલમાં તો છે ને ? ''
સપનાબેન - '' ગયા અઠવાડિયે જ પપ્પા ના રીપોર્ટસ કરાવ્યા, બધું નોર્મલ છે બેટા. તે સાર્થક જોડે વાત કરી ? કેવો લાગ્યો ?''
સ્નેહા - '' હા મમ્મા, સારો છે, ઓનલાઇન વાત થાય છે ક્યારેક. હવે અમે સારા મિત્રો પણ છીએ.
સપનાબેન-'' મને અને તારા પપ્પાને સાર્થક  બધી રીતે યોગ્ય લાગે છે. સંસ્કારી ને પાછો ભણેલો ય ખરો અને દેખાવમાં તો એકદમ હેન્ડસમ છે.જન્માક્ષર પણ બત્રીસ ગુણાંકથી મળે છે. ગયા રવિવારે એ લોકો આપણાં ઘરે આવેલા ને ઘણી ઓળખાણો ય નીકળી.
સ્નેહા- હા મમ્મા...મને એ ખબર નથી પડતી હજુ મારું ભણવાનું ચાલુ છે ને તમે લગ્નની વાતો કરો છો ? કેમ મને મુરતિયો નહિ મળે ? શું ખામી છે તારી દીકરી માં ? હા, થોડી શ્યામ  અને ઠીંગણી ખરી, તો શું થઇ ગયું ? તું ચિંતા છોડ, થશે ટાઇમ આવે!
સપનાબેન - બેટા, સમયે સમયે બધું થવું જોઈએ, નહિ તો ખાટી છાશ ઉકરડે ફેકવાનો વારો આવે. પણ તને નહિ સમજાય ! કહું એટલું કર ! અને તારું ભણવાનું ક્યાંય બગડવાનું નથી. કેનેડા ભણવા માટે તો મોકલી છે.

સ્નેહા - ઓકે મમ્મા, ફોન મુકવો પડશે મારે. ગ્રોસરી કરવા જવાનું છે ! રૂમમેટ વેટ કરે છે. અને હા, આ મહિને નાસ્તાનું પાર્સલ ના મોકલીશ, બધું પડ્યું છે. પછી શાંતિથી વાત કરું છું. બાય મમ્મા, લવ યુ...!

ફોન મુકીને સપનાબેન પાછા રસોડામાં ગયા.વિચારોનું યુદ્ધ તો ચાલુ જ હતું. બાકીની ભાખરી કરતાં કરતાં બબડ્યા,'' કહેતી ‘તી કે માસ્ટર અહી જ કરાવો, દીકરીને વળી પરદેશ મોકલવાની શું જરૂર હતી ? પણ બાપ-દીકરી બેઉ માને તો ને ? બસ સાર્થક જોડે ગોઠવાઈ જાય એટલે ગંગા નાહ્યા ! છેલ્લું સેમિસ્ટર છે, માસ્ટર પણ થઇ જશે. પી.આર. ની ફાઈલ મૂકી દીધી છે. બધું જોડે પતી જશે. ત્રેવીસમું ચાલે છે એટલે આવતા વર્ષ સુધી પ્રસંગ કરીએ તો પણ વાંધો ના આવે.'' રસોડામાં કામ પરવારીને સપનાબેન હીંચકે આવી ને બેઠાં ને મોબાઈલમાં ગેલેરીમાં જઈને એક પછી એક ફોટા સ્વાઈપ  કરીને જોવા લાગ્યાં અને ભૂતકાળને ફંફોસવા લાગ્યા. હવે તો સ્નેહા કદાચ લગ્ન કરવા જ આવશે અને ફરી પાછી  ઉડી જશે. શું મને ફરી ક્યારેય મનભરીને એની સાથે રહેવાનું નહિ મળે ? બે વરસમાં તો કુકુ પણ આમ જ માસ્ટર કરવા પરદેશ જતો રહેશે ! ને ઘરમાં સાવ સુનકાર છવાઈ જશે...'' એકાએક વિચારોએ એક્ઝીટ કરી જ્યાં ઉપરાછાપરી ડોરબેલ વાગતી હતી. '' આ કુકુ તો આવે ત્યાંથી જણાય ! કોલેજમાં આયો તોય છોકરમત ગઈ નથી.''

રઘવાટમાં સપનાબેને બારણું ખોલ્યું અને સાગરભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો, સોફામાં બેસી ગયાં,પગ લંબાવીને આંખો બંધ કરીને !

હાફળા ફાંફળા સપનાબેને પંખો ફાસ્ટ કર્યો ને પાણીનો ગ્લાસ ધરતાં પૂછ્યું, '' શું થાય છે ? તબિયત તો બરાબર છે ને ? તમે તો મોડા આવવાના હતા ને ?''

સાગરભાઈ- '' અરે, આજે મજા નહોતી લાગતી ને માથું ભારે ભારે લાગતું' તું , એટલે મીટીંગ કેન્સલ કરીને ઘરે આવી ગયો. થોડો આરામ કરીશ એટલે આવી જશે બધું રાગે ! જલ્દી ચા બનાઈ લાવ.''

બબડતા બબડતા સપનાબેન રસોડામાં ગયાં. ચા ને બિસ્કીટ ની ટ્રે લઈને આવ્યાં, '' કેટલી વાર કહ્યું કે હવે વનમાં પ્રવેશ કર્યો તો તબિયતનું થોડું ધ્યાન રાખો. કામનો ભાર થોડો ઓછો કરી નાખો હવે ! બ્લડપ્રેશર ને ડાયાબીટીસ થોડા થોડા સમયે ખબર લઇ જાય છે તો થોડો આરામ પણ કરવો પડે ને ? થોડી વાર પછી ડોક્ટર પ્રજ્ઞેશભાઈને બતાવી આવીએ !''

સાગરભાઈ- ''અરે, સપના એવું કશું જ નથી. આ અમદાવાદની મે મહિનાની ગરમી,આ અંદર એસીની ઠંડક ને બહાર બેતાલીસ ટેમ્પરેચર !  પછી શું થાય? તારા હાથની ચા પીશ એટલે તાજોમાજો ! ડોક્ટર પાસે જવાની જરૂર નથી, એવું કઈ મેજર નથી. ખોટું ટેન્શન ના કર. કુકુ નથી આયો હજુ ?''

સપનાબેન -'' હું તો એની જ રાહ જોતી હતી, આવતો હશે. સ્નેહાનો ફોન હતો ને તમારી ચિંતા કરતી 'તી, એને ગ્રોસરી લેવા જવાનું હતું એટલે લાંબી વાત ના થઇ પણ હા, મેં સાર્થક ની વાત પૂછી લીધી બંને ટચમાં છે !''

સાગરભાઈ ચા નો ઘૂંટ ભરતા બોલ્યા,'' સારી વાત છે એ તો ! કાલે સન્ડે છે, સ્નેહા ફ્રી હશે એટલે શાંતિથી વાત કરી લઈશું. મારે એક બે ઈમ્પોર્ટન્ટ ફોન કરવાના છે, હું રૂમમાં જવું છું. કુકુ આવે એટલે સાથે જમી લઈશું ને પછી વૉક પર જઈશું.''

ત્યાં તો બહારથી બુમ બરાડા સંભળાયાં, સપનાબેને બારીમાંથી બહાર જોયું તો કુકુ અને સિક્યુરીટી વાળા અબ્દુલચાચા બાખડી રહ્યા હતા. સપનાબેન તરત જ બારણું ખોલીને બહાર નીકળ્યા ને કુકુનો અવાજ સંભળાયો,'' મિયાંભાઈ તો મિયાંભાઈ જ રહેવાના...ક્યારેય નહિ સુધારવાના ! મારા બાઈકના પાર્કિંગ માટે કાયમ વાંધા હોય એમને, પપ્પાને કહે કે કોઈ સારા સિક્યોરીટીવાળાને રાખે ને ચાચાને કાઢો હવે ! જરાય બોલવાનું ભાન નથી ! ''

સપના-' પહેલાં ઘરમાં ચાલ, પછી બધી વાત !''

સપનાબેન કૂકું ને ઘરમાં લઇ ગયા અને સમજાવ્યો કે આવું ના બોલાય, તારા પપ્પાની ઉંમરના છે, મીયાભાઈ  જેવા શબ્દો શોભે આપણને ? તો એમનામાં ને આપણામાં ફેર શું ? હા, ક્યારેક ચાચા એમનું માનસિક સંતુલન ગુમાવીને એલફેલ બોલે છે પણ આપણે આપણું સંતુલન કેમ ગુમાવવાનું ?''

આજે જુન મહિનાની પહેલી તારીખ ને પાછો સોમવાર પણ હતો. સપનાબેન આજે વહેલા ઉઠી ગયા હતા. આજે સ્નેહાને ચોવીસમું વર્ષ બેસશે. બર્થડે હતો સ્નેહાનો ! સપનાબેન સ્વગત બોલી રહ્યા હતા,'' સ્નેહાના નામે આજે હવેલીમાં ઠાકોરજીને સામગ્રી પધરાવવાની છે. સ્નેહાની ફેવરીટ ચોકલેટ કેક બનાવાની છે અને એને ભાવતી રસોઈ પણ ! પછી રાત્રે સ્નેહા સાથે ફેસટાઇમ કરીને કેક કાપીશું. પાછી તરત જ ચાંપલી કહેશે,'' મારી ગીફ્ટ ક્યાં ? '' આ ત્રીજા વર્ષની ગીફ્ટ જોઇને તો એ રાજીના રેડ થઇ જશે ! કેટલું સુંદર  ગાઉન એની ધરામાસી એ ડીઝાઇન કર્યું છે ? બેબી પિંક કલર ને એમાં સ્વરોસ્કીના ડાયમંડનું વર્ક ! કેટલી સુંદર લાગશે મારી બાર્બી ડોલ ! એની ધરામાસીને સ્નેહાને શણગારવાનો ભારે શોખ ! અરે, સાત તો વાગી ગયા, હમણાં સાડા નવ વાગે તો ધરા આવી પહોચશે મંદિર જવા માટે ! પાછુ સાગરને ય નીકળવાનું ઓફિસે ! ફટાફટ બધા કામ આટોપુ તો જ પહોચી વળાશે.'' સપનાબેનની વિચારયાત્રા સાથે અનેરા ઉત્સાહથી એમના હાથ-પગ પણ સાથ આપી રહ્યા હતા. સાડા નવ થવા આવ્યા છે,બસ ધરા આવતી જ હશે. બારણું ય અધખોલું રાખ્યું છે જેથી મારે સેવામાંથી ઉભું ના થવું પડે. ઠાકોરજીની સેવામાં ધ્યાન ઓછું ને સ્નેહામાં વધારે !  ત્યાં તો મોબાઈલ રણક્યો. સપનાબેને હસતાં હસતાં ફોન ઉપાડ્યો,''  હેપીવાલા બર્થડે બેટા, સેવામાં ઠાકોરજીની સન્મુખ જ બેઠી છું. શ્રીજી, મારી સ્નેહાની બધી મનોકામના પૂરી કરજો અને ખુશ રાખજો. દીકું અમે સાંજે ફેસટાઇમ કરવાના જ હતા. આજે તું પણ ત્યાં ફ્રેન્ડસ જોડે મજા કરજે.

સ્નેહા આંખ લુછતાં કહે છે,'' હા, મમ્મા...સ્યોર ! આજે તો તું ચોકલેટ કેક બનાવીશ જોડે વેઢમી પણ !
કેટલા વર્ષો થયા તારા હાથનું ખાધે ! પણ તું જ કહેતી'તી ને કે કાંઇક મેળવવું હોય તો કાંંઇક  ગુમાવવું પણ પડે છે.
પપ્પા ને કૂકું કેમ છે ? મમ્મા, હું થોડી જલ્દીમાં છું ને મારે તને એક ગુડ ન્યુઝ પણ આપવાના છે. તો હું તને વોટ્સઅપ મેસેજ કરું છું. બાય મમ્મા !

થોડી જ વાર માં મેસેજનો ટયુન આવ્યો.

''મમ્મા, સાચું કહું તો ફોન ઉપર કહેવાની મારી હિંમત નહોતી, એટલે જ મેસેજ કર્યો છે. મેં ગઈકાલે આમિર સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. આમિરનો પોતાનો ગ્રોસરી સ્ટોર છે. સ્વભાવે ખુબ જ લાગણીશીલ અને રમુજી છે. તે પોતે અફઘાની છે પણ એના પેરેન્ટ્સ રાવલપીંડીમાં રહે છે. હું ખુબ ખુશ છું મમ્મા ! બસ મને તમારા બધાના આશીર્વાદની જરૂર છે. આપશો ને ?

મને માફ કરી દેજો મમ્મી-પપ્પા ! તમારી પરમીશન લઈને લગ્ન કરવાની ઈચ્છા હતી પણ એ શક્ય થવાનું નહોતું ! I am so sorry, મારી ચિંતા ન કરતા, હું ખુબ ખુશ છું. કુકુને ???

નીચે મારા ને આમિરના ફોટા મોકલી રહી છું. બે દિવસ પછી હું ફોન કરીશ. ''

મેસેજ વાંચતાં જ સપનાબેન ખુલ્લી આંખે ઢળી પડ્યા !

'' કેટલો અજીબ હોય છે

આ સબંધોનો અજવાશ,

અજવાળું હોવા છતાંય

ચહેરા ઓળખાતાં નથી. ''



નીતા શાહ