મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, August 4, 2016

જીંદગીના ચતુષ્કોણમાં...!


જીંદગીના ચતુષ્કોણમાં
મારો કાટખૂણો?
અરે,છેદાતો જાય મપાતો જાય
મારો કાટખૂણો
એક ખૂણે જન્મદાતા
પુરેપુરા નેવું અંશે
બીજો ખૂણો જીવનસાથી
સમયાંતરે કપાતો
ત્રીજો ખૂણો આત્મજ
જનરેશન ગેપથી છેદાતો
ચોથો ખૂણો એટલે હું
ઔપચારિકતા ઓઢી
મરું પળે પળે...!

નીતા શાહ

ઔપચારિકતા માણસખાઉં એનાકોન્ડા...!



ઔપચારિકતા  માણસખાઉં  એનાકોન્ડા

આજે આપણે જો સમાજ-દર્શન કરીશું તો આડકતરી રીતે લાગશે કે  કઈક ખૂટી રહ્યું છે અને સાથે કઈક વધી પણ રહ્યું છે. દિવસે દિવસે જરૂરિયાતોના લેબલ્સ વધતા રહ્યા છે. આ લેબલ્સને પોતાની આઇડેન્ટિટી માં લગાડીને સ્ટેટસ ને લાંબુ પહોળું કરી રહ્યા છીએ.પણ મને લાગે છે ત્યાં સુધી અહી સ્ટેટસ નહિ પણ સ્ટ્રેસને આમંત્રણ આપી રહ્યા છે. સ્ટેટ્સની લંબાઈ કે પહોળાઈ વધતી ઓછી ન થાય તેના માટે જાણે લોકો એ  ઔપચારિકતા ને ઓઢી લીધી છે...નવાઈની વાત તો એ છે કે લોકો ઔપચારિકતા ને ઓળખે પણ છે. દેખાદેખી,અનુકરણ, ખોટો આડંબર શા માટે ? હોઈએ એવા દેખાડવામાં ક્યાં વાંધો આવે છે ?

આપણે ત્યાં કોઈ  સાજુ માંદુ હોય તો ખબર કાઢવાનો કુરિવાજ છે. એક ભાઈ ને એક્સિડન્ટ થયો.મલ્ટીપલ ફેકચર હતા.હોસ્પિટલ માંથી સારવાર લઈને ઘરે આવ્યા. બીજા દિવસથી ખબર જોવા આવનારનો રાફડો ફાટે. રોજના પાંચ સાત જણ તો હોય જ ! આ સિલસિલો મહિના સુધી ચાલે. હવે ઘરમાં પત્ની પતિની સેવા કરે,ઘર સંભાળે, બાળકો સંભાળે કે પછી મહેમાનોની આવભગત કરે ! છતાં પેલા બહેન ફોર્માલીટી માટે કચવાતા મને, પ્લાસ્ટિક સ્માઈલ સાથે મહેમાનોને ચાય નાસ્તો કરાવતા જાય. છે ને વરવી વાસ્તવિકતા !

આ મહિના માં જ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે. લગ્ન પહેલા દરેક ભાઈ-બેન ટીખળ,મસ્તી, પ્રેમ સાથે સેલીબ્રેશન કરે. પણ જ્યાં લગ્ન થાય એટલે સમીકરણો થોડા થોડા બદલાવા માંડે. બહેન પરણીને સાસરે જાય એટલે એની નણંદો પણ રક્ષાબંધન કરવા આવે. એ લોકોની આગતા સ્વાગતા કરવાની અને મીશતાન ફરસાણ સાથે જમાડવાના અને મોટા પ્લાસ્ટિક સ્માઈલ સાથે કારણ એને તો પોતાના વ્હાલસોયા ભાઈ નું અડવું કાંડું જ દેખાતું હોય ને !

હવે તો ફોન થી જાણ કરીને જ કોઈના ઘરે જઈ શકાય.એમાં બે વાત થઇ શકે. બંનેની અનુકુળતા સચવાય અને બહુ જ સાચવવા પડે એવા મહેમાન આવવાના હોય તો બે-ત્રણ દિવસ તૈયારીમાં આપી શકાય. ત્યારે પણ ખુબ જ પ્રેમથી આવકારીએ પણ હૃદયના સાતમાં પડદે એક ડંખ રહે કે ક્યાંક કચાશ તો નથી રહી ગઈ ને ? એમાય જો સાસરી પક્ષનું કોઈ આવે તો ગૃહિણી ના પેટ માં તેલ રેડાય ! ગમે એટલું સારું કરીશ પણ પણ પાણીમાંથી પોરા  તો કાઢશે જ !

અંગત જીવન ની વાત કરું તો એક સંસ્કારી વહુ દરેક ને પ્રિય હોય...પણ ક્યારેય એ સંસ્કારી પત્નીના ભીતરમાં ડોકિયું કરીશું તો સમજાશે કે કેટકેટલા સમાધાન તેને પોતાની જાત માટે કર્યા છે. જીવન પર્યંત ચાલશે-ફાવશે અને દોડશે જેવા જીવન મંત્રો નિભાવવા એ સહેલી વાત તો નથી જ !

''  ભીતરનો જ્વાળામુખી
    થર ઉપર થર
    ડુસકા ક્યાંથી સંભળાય ?''

જાણે આપણે ફક્ત ઔપચારિકતા ને ઓઢીને હોઠો ઉપર મસ્ત મજાનું સ્મિત શણગારીને અંદરથી ઉઠતી દરેક નાની મોટી ઈચ્છાઓનું ગળું ટુપી દઈએ છીએ. છેવટે આવી નાની મોટી ગુંગળામણનો ઘડો ફૂટે છે અને નાના મોટા રોગોને આમંત્રણ આપે છે. હાઈ/લો બ્લડપ્રેશર, ડીપ્રેશન, ડાયાબિટીસ, એપીલેપ્સી, સ્ટ્રોક, હાર્ટએટેક ...વગેરેના મૂળ માં ઔપચારિકતા નો એનાકોન્ડા એ ભરડો લીધો હોય છે.જીવન વેરવિખેર થઇ જાય છે.જો આ પરીસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો ???
જેવા છીએ એવા જ રહીએ, આપણી પાસે જે છે એટલું જ દેખાડીએ. આપણે જે રીતે ખાતા-પિતા હોઈએ તેવું જ મહેમાનો ને હૃદયમાં ભાર રાખ્યા વિના દિલથી પીરસીશું તો બંને પક્ષે સ્નેહ નો ગુણાકાર થશે. યજમાન થતા પણ શીખવું પડશે. ખોટા દંભ છોડીશું તો જ મુક્તપણે હસી શકીશું. જીવન માં અન્યાય નો સામનો કરતા પણ શીખવું પડશે. ટોણા ના રૂપ માં નહિ પણ આમને સામને બેસીને સારી ભાષા માં આપણા વિચારો રજુ કરવા જોઈએ અને વિચાર વિનિમય કરવાથી ચોક્કસ રસ્તો  નીકળશે જ. જીવન માં એક સબંધ સખી/મિત્ર નો એવો હોવો જોઈએ કે જ્યાં મનફાવે ત્યારે જઈ શકીએ, મન ફાવે તેમ વર્તી શકીએ, એના ખભે માથું ઢાળીને અંતરના ભારને હળવો કરી શકાય. જો આ રીતે અંતરંગ સખી કે મિત્ર આગળ દિલ નહિ ખોલીએ તો ડોક્ટરને હૃદય ખોલવાનો વારો આવશે.

ઈર્ષા કરવી હોય તો એવા લોકો ની કરો કે જેઓ આખા દિવસ ની મજુરી કરીને રોડ સાઈડે બાંધેલી નાનકડી ઝુપડી માં વસતા હોય ને ઘરના દરેક સભ્ય હસતા રમતા બાજરી નો રોટલો, ડુંગળી અને છાશ નિરાતે જમતા હોય અને એક સંતોષ એમના ચહેરે છલકાતો હોય અને ખડખડાટ હસતા હોય, જ્યાં નથી કોઈ ઔપચારિકતા કે નથી કોઈ આડંબર ! બસ નરી વાસ્તવિકતા !


નીતા શાહ