મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, August 21, 2016

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક'



વારે તહેવારે હું વહેલી સવારે નિત્ય ક્રમથી પરવારીને હું સૂર્યનારાયણ ને જળ ચઢાવીને ઉંબરાપૂજન કરતી. ત્યારે મારી સાત વર્ષની દીકરી ભૂમિ આગળ-પાછળ ફરતી. એક દિવસ હું ઉંબરાપુજન કરતી'તી બંને બાજુ કુમકુમ ના સાથીયા અને વચ્ચે લક્ષ્મીજીના પગલા બનાવતી. અચાનક ભૂમિ બોલી,'' મમ્મા આપણે સ્વસ્તિક ની જગ્યાએ સ્માઇલી ડ્રો કરીએ તો ? મને તો સ્માઇલી બહુ જ ગમે .'' નાની અમથી બાળકીના મગજ માં કેટલો સુંદર વિચાર...! ત્યારે મેં નક્કી કર્યું કે વાતો વાતો માં મારે મારી દીકરી ભૂમિ ને આપણી સંસ્કૃતિના પ્રતીકો વિષે સાચી સમજણ આપીશ જ ! કારણ મગજ માં ખોટી વાત ઠસી જાય પછી એ કાઢીને સાચી વાત ઠસાવવી અઘરી હોય છે. જે રીતે મારા મમ્મી પણ વાર્તા કહેતા કહેતા આવી અમુલ્ય વાતોને પણ ગુંથી લેતા અને મને આજે પણ યાદ છે.

'' સ્વસ્તી ન: ઇન્દ્રો વૃધ્ધશ્રવા:

  સ્વસ્તી ન: પૂષા વિશ્વ-વેદા:''

કોઈ પણ મંગલ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો આ સ્વસ્તી મંત્ર બોલે છે. જેમ ઈલેક્શન વખતે નિશાન જોઇને આપણે વોટ આપીએ છીએ તેવી જ રીતે દરેક વ્યક્તિ સ્વસ્તિક ના નિશાન દ્વારા પોતાના શુભકાર્યનું માંગલ્ય ઈચ્છે છે. સુ+અસ =કલ્યાણ ની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ ! એક ઉભી રેખા અને તેના પર બીજી આડી રેખા તેના જેટલી જ લાંબી એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. જે વિશ્વની ઉત્પત્તિનું કારણ છે અને જ્યોતીરલીંગ નું સુચન કરે છે.આડી રેખા એ વિશ્વ નો વિસ્તાર બતાવે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુ ના ચાર હાથ જે ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિકનું મધ્યબિંદુ એ દેશ અને કાળનું મીલનબિંદુ છે. આમ સ્વસ્તિક ના પ્રતિક માં જ માંગલ્ય ભાવના રહેલી છે.

* પરણનાર નવદંપતીનું આજીવન સખ્ય રહે તે માટે પોતાની દ્રષ્ટિ સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ.

* નવજાત શિશુને છઠ્ઠીના દિવસે સ્વસ્તિક કાઢેલા વસ્ત્ર પર સુવાડવામાં આવે છે. તેનો હેતુ જીવનમાં એ     બાળકને સ્વસ્તી-પ્રેમ પ્રાપ્ત થાય છે.

* વિખુટા પડેલા સ્વજનો માં ફરી મિલન સંયોગ થાય તેના માટે સ્વસ્તિકની પૂજા કરવાની પ્રથા છે.

* દિવાળીના દિવસે ચોપડાપૂજન કરી તેમાં કુમકુમના સાથીયા કાઢવાની પાછળ પણ આવનારું નવું વર્ષ સૌભાગ્ય સમ્પન્ન, સમૃદ્ધ અને માંગલિક બને તે ભાવ રહેલો છે.

* ચાતુર માસમાં મંદિરમાં ભગવાન ની પાસે સાથીયા અને અષ્ટદળની રંગોળી કાઢનાર સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી.

* ઉંબરાપુજનમાં પણ બહેનો સાથીયા કરે છે તેની પાચલ પણ આ જ ભાવ છે. '' પ્રભુ મારા ઘરમાં જે પણ વૈભવ છે તેને પવિત્ર રહેવા દો. અનર્થ થી મેળવેલો વૈભવ જીવનમાં પણ અનર્થ સર્જે છે. બહારથી હસતું પણ અંદરથી રડતું જીવન મને માન્ય નથી.''

સ્વસ્તિક એટલે કલ્યાણ નું કાવ્ય. સર્વ દિશાઓની સૌરભ, પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સુચન ! આમ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિની અતિ પ્રાચીન ધરોહર છે. એનું મુલ્ય સમજવું અને સાચવવું આપણી ફરજ છે.

ઘણી વાર આવનાર નવી પેઢી આપણને પૂછે તો આપણી પાસે સાચા જવાબ નથી હોતા. ગોળ ગોળ વાત કરીએ છીએ અથવા તો વાત ને ટાળીએ છીએ. જેમ કે મારી મમ્મી કરતી તી એટલે હું કરું છું અને એટલે તું પણ કરીશ. આવી વાતો આ નવી જનરેશન સ્વીકારશે ? અપનાવશે ? શું લાગે છે આપને ?



નીતા શાહ

'' મારા પછી...મારી વાત ''





'' મારા પછી...મારી વાત ''

વૈભવશાળી બોર્ડમીટીંગ જેવો માહોલ હતો. રાઉન્ડટેબલની જગ્યાએ એન્ટીક,સિંગલ,ગોલ્ડ અને સિલ્વર થી મઢેલા અલગ અલગ સોફા હતા. વૈભવશાળી પોશાકમાં ઘણા બધા લોકો હતા.એ કોણ છે એની મને જાણ ન હતી. ન તો ત્યાં કોઈ મિનરલ વોટર બોટલ, પેન, રાઈટીંગ પેડ,કોમ્પ્યુટર કે પછી પ્રોજેક્ટર સ્ક્રીન હતું ! આગળ-પાછળ મેઈડ સર્વન્ટની ફોજ સુસજ્જ હતી. હા, દરેક ના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું. ત્યાં જ એક રાણી જેવા પોશાકમાં જાજરમાન સ્ત્રીએ મને સ્માઈલ આપ્યું અને બોલ્યા, '' વત્સ, જરા અચરજભર્યું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશો. પૃથ્વી લોકમાંથી અહી સ્વર્ગલોકમાં આપના આત્માનું સ્થળાંતર થયું છે. મારી ઓળખાણ આપું. મેં જ પૃથ્વીલોક માં તમારા જીવન ના લેખ લખ્યા હતા. જીવન-મરણ અને લગ્ન ! અને આ પળે તમારું સ્થળાંતર પણ નિશ્ચિત હતું જ ! દેવી, પૃથ્વીલોકમાં તમે કેવું જીવ્યા અને તમારા સ્વજનો હાલમાં શું કરી રહ્યા છે તે જાણવાની ઈચ્છા ધરાવો છો ?
હું તો સાવ દિગ્મૂઢ હતી. માત્ર ડોકું હલાવીને આંખોથી 'હા' ભણી.
ત્યાં તો વિધાત્રી દેવીએ આંખો બંધ કરીને ખોલી ત્યાં તો હજારો એલ-ઈ-ડી ભેગા કરીને વિશાળસ્ક્રીન બનાવ્યું હોય એવું કૈક મને દેખાયું. અને એક પછી એક દ્રશ્યો ચાલતા હતા. જાણે મારા જ જીવન નું લાઇવ મુવી ...!
અરે, આ તો મારા સુખ-દુઃખના સાથી,એક મિત્ર,એક પ્રેમી અને પ્રેમાળ પતિ ! એક ખૂણામાં બેસીને અનિમેષ નજરે આકાશને તાકી રહ્યા હતા. વાચા અને વિષાદનું રુદન અલોપ હતું. પ્રેમના ઘૂઘવતા દરિયા જેવી એમની આંખો સાવ શુષ્ક હતી. વાચા તો જાણે હણાઈ ગઈ હતી...એક ફરિયાદનો ભાવ હું એમના ચહેરે સ્પષ્ટ વાંચી શકતી હતી. મારાથી વધારે એમને કોણ ઓળખે ?
આ... તો મારો દીકરો છે એ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. થોડા અસ્પષ્ટ શબ્દો સંભાળતા હતા,'' ડોક્ટર અંકલ, મોમની અંતિમ ઈચ્છા 'દેહદાન' ની હતી અને કોઈ કાળે એ આપણે પૂરી કરવાની છે. એનું એફિડેવિટ પણ કરાવેલું છે મોમે, તો પ્લીઝ તમે જલ્દી આવી જાવ અને આગળ શું કરવું એ સમજાવો...! મને તો કઈ જ સુજતુ નથી અને ડેડ ને પણ સા...ચવવાના છે'' મારી દીક....રી ...કેટલું રડી રહી છે અને એની આંખો તો સુજીને ટેટા જેવી થઇ ગઈ છે.એના પતિને રડતા રડતા કહી રહી છે, ''મારું તો બેકબોર્ન જ ખોરવાઈ ગયું, મારી તો આદત જ મમ્મી હતી, કેવી રીતે જીવીશ ? પણ માં હું  તારી જ પ્રતિકૃતિ છું અને તારા જ પગલે ચાલીશ..તને ગમતી તારી દરેક એક્ટીવીટીને આગળ ધપાવીશ. તારા સેવાના કાર્યો, માતૃભાષા માટેનો તારો પ્રેમ અને કાર્ય અને હા તારું એક મિશન ' કે આગળની નવી પેઢીને વાંચતા આવડશે પણ કદાચ લખતા નહિ આવડે '...વગેરે ને હું એક પગલું આગળ લઇ જઈશ. તારા જેટલી પેશન્સ કે સમજ નથી અને તારા જેવું જીવી પણ નહિ શકું પણ પ્રયત્ન તો ચોક્કસ કરીશ.
ઓહ...આ વ્હીલચેર માં તો મારા પંચાશી વર્ષના 'સાસુમા' ! કેટલું આક્રંદ કરે છે જાણે રુંવાડા ઉભા થઇ જાય ! '' આ યમડો તો ભૂલથી મારા બદલે મારી વહુ ને લઇ ગયો છે. મને કોણ ચા પાશે ? કોણ સેવા કરશે ? મારા કડવા વેણ કોણ હાભળશે ? શ્રીજી ....શ્રીજી ...મને ય ઉઠાવી લે મારા વ્હાલા, મારે ત્યાંય મારી વહુ જોડે જ રહેવું છે...'' ચારે બાજુ સગા વહાલા અને સ્વજનો બેઠા છે.
અરે ....જુવો આ હાંફળી ફાંફળી ...મારી વ્હાલી સખીઓ ભેગી મળીને શું કરે છે ? પ્રકાશિત દીવડા સામે કૈક પ્રણ લઇ રહી છે '' અમે તમારી સાહિત્યની સફરને આગળ ધપાવશું, વેલવિશરવુમન ની એક માળા માં બંધાઈને રહીશું અને એકમેકના પડખે રહીશું.''
હું તો ધ્રુસકે ધ્રુસકે રડી રહી છું પણ મારા આંસુ ક્યાં ? આતમ ચકરાવે ચડ્યો છે...વારંવાર એક વિચાર ટકોરા મારે છે...!
'' જીવન તો સુંદર છે જ ! પણ મૃત્યુ તો એનાથી પણ સુંદર અને અલૌકિક છે ! મારા પછી મારી વાત સદ્રશ્ય જોઇને લાગ્યું કે પૃથ્વીલોકમાં હું મારી જાતને સાવ 'એકલી' માનતી હતી, મારું કોઈ જ નથી. પણ હું કેટલી ખોટી હતી ! હવે હું કોઈ પણ યોની માં હોઈશ પણ નકારાત્મક તો નહિ જ વિચારું.
વિધાતા મા મને એવી શક્તિની પાંખ અને સત્યની આંખ જરૂર આપશે !!!

નીતા શાહ