મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, September 30, 2015

ગઝલ - રસપ્રદ માહિતી



મિત્રો, ગઝલ શબ્દથી આપણે સૌ વાકેફ છીએ જ. ગઝલ ના બંધારણ માં
શેર,મિસરા,કાફિયા,રદીફ,મત્લા અને મક્તા દરેક પાસા અનિવાર્ય છે.

ગઝલ એ ઉર્દૂ કાવ્યરૂપ છે.'ગઝલ'નો ઉર્દૂ કોશમાનો અર્થ થાય છે ''કાંતવું
કે વણવું.''ગઝલ એ મૂળ તો અરબી શબ્દ છે. ગઝલ એટલે પ્રેયસી સાથેની કે એને
લગતી વાત.ભારત માં અમીર ખુસરો [ ૧૨૫૩-૧૩૨૫] ગઝલ ના આદીસર્જક
અને પ્રવર્તક ગણાય છે. ત્યારબાદ સંત કવિ કબીર [૧૪૪૦-૧૫૧૮] નો ઉલ્લેખ
કરી શકાય.કબીરના દોહા એ ગઝલના સ્વતંત્ર શેર જેવા છે.ત્યારબાદ ૪૦૦ વર્ષ
પછી 'વલી' એ ૧૭ મી સદીના અંત માં ગઝલને વિશિષ્ટ ઘાટ આપ્યો.એ પછી
ભારતમાં ગઝલનું સ્વરૂપ વધુ ને વધુ પ્રતિષ્ઠા પામતું ગયું છે.

બાલાશંકરે ઈરાનના મહાકવિ ગણાતા ફારસી શાયર ''હાફેજ'' નું સાહિત્ય ગુજરાતમાં
પહેલવહેલી વાર રજુ કર્યું. સુફીવાદ વિષે પણ તેમણે જ પહેલવહેલી માહિતી આપી હતી.
હરિ હર્ષ ધ્રૂ,કલાપી,જટિલ,અમૃત નાયક વગેરે એ તે સમયમાં ગઝલોનું ખેડાણ કર્યું હતું.
''સરસ્વતીચંદ્ર'' અને ''સ્નેહમુદ્રા''માં ગોવર્ધનરામ ત્રિપાઠી એ ઉર્દૂ-ફારસી ના શબ્દ-પ્રયોગ
વગરની ગઝલ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ એને શુદ્ધ ગઝલ ન કહી શકાય.

ગુજરાતીમાં પહેલવહેલા ગઝલકાર ગુજરાતી નહોતા,શેખ મહમ્મદ કાશિફ ના ગુજરાતી ગઝલ સંગ્રહ
૧૮૪૦ માં છપાયેલ પણ તે હાલ અપ્રાપ્ય છે એટલે  આરંભક તરીકે મણીલાલ,બાલાશંકર,કલાપી
વગેરે કહી શકાય .
ગુજરાતી ગઝલ નો બીજો તબક્કો એટલે શયદાનો સમય. મુંબઈ માં શયદા,નસીમ,સગીર,અમદાવાદમાં
સાબીર તથા ભાવનગરમાં મજનું  નો જમાનો હતો.એમણે ગઝલને અનુરૂપ ગુજરાતી ભાષાની સજાવટ કરી.
સુરત જીલ્લાના રાંદેર ગામથી ૧૯૩૦ માં ગુજરાતીમાં મુશાયરા પ્રવૃત્તિ ની શરૂઆત થઇ.મરીઝના આગમન સાથે જ ગુજરાતીને સંપન્ન ગઝલકારોને જાણે કે એક સમૂહ મળી ગયો. જેમાં મરીઝની સાથોસાથ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામ, પતીલ, અનિલ, ગાફિલ તથાં મકરંદ દવેનો સમાવેશ થાય છે. આ પછીની પેઢીમાં શેખાદમ આબુવાલા, આદિલ મન્સૂરી, મનહર, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા ઉપરાંત, વ્રજ, જલન માતરી, કાબિલ, હરીન્દ્ર દવે, નૂરી, ઓજસ અને ‘નઝીર’ ભાતરી આપણા નોંધપાત્ર ગઝલકારો છે. આ બધામાં મરીઝ ટોચ પર રહે છે.

આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ. ઉપરાંત, શેખ ગુલામ મોહમ્મદ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રાસન્નેય, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, મણિલાલ દેસાઈ  નોંધપાત્ર પ્રદાન કરે છે. આ પછીનાં તબક્કામાં ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, અદમ ટંકારવી, હનીફ સાહિલ, જયેન્દ્ર શેખડીવાળા, સરૂપ ધ્રુવ, શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ, દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ, હરીશ ધોબી, હર્ષદ ત્રિવેદી, બાપુદાન ગઢવી, મુકુલ ચોક્સી, વિનોદ જોશી જેવા સર્જકો નોંધપાત્ર છે.
આ ઉપરાંત પણ બીજા ઘણા નામી-અનામી સર્જકો ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવૃત્ત છે.


જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.


– શયદા

         
[‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.]


ગુજારે  જે  શિરે તારે  જગતનો  નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
 

દુનિયાની  જુઠી વાણી  વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે  અંતરે  આનંદ  ના  ઓછો  થવા  દેજે.
 

કચેરી  માંહી કાજીનો  નથી  હિસાબ કોડીનો,
જગત કાજી  બનીને  તું વહોરી ના પીડા લેજે.
 

જગતના  કાચના  યંત્રે  ખરી વસ્તુ નહીં ભાસે,
ન  સારા  કે  નઠારાની  જરાએ  સંગતે  રહેજે.
 

સ્હેજે  શાંતિ  સંતોષે   સદાયે   નિર્મળે   ચિત્તે,
દિલે  જે  દુ:ખ  કે  આનંદ  કોઇને નહીં કહેજે.
 

વસે  છે  ક્રોધ વૈરી  ચિત્તમાં  તેને  તજી  દેજે,
ઘડી  જાએ  ભલાઇની  મહાલક્ષ્મી ગણી લેજે.
 

રહે  ઉન્મત્ત  સ્વાનંદે  ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
 

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ  મૂર્ખતા  કાજે  મુખે  ના  ઝેર  તું  લેજે.
 

અરે  પ્રારબ્ધ  તો ઘેલું  રહે છે  દૂર માગે તો,
ન  માગે દોડતું આવે  ન  વિશ્વાસે  કદી રહેજે.
 

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે  તું   બેવફાઇથી  ચડે  નિંદા   તણે  નેજે.
 

લહે  છે  સત્ય  જે  સંસાર તેનાથી પરો  રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
 

વફાઇ તો  નથી  આખી  દુનિયામાં જરા દીઠી,
વફાદારી  બતા’વા  ત્યાં  નહીં કોઇ પળે જાજે.
 

રહી  નિર્મોહી શાંતિથી  રહે એ  સુખ  મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
 

પ્રભુના  નામનાં  પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની  પ્યારી  ગ્રીવામાં પહેરાવી  પ્રીતે દેજે.
 

કવિ  રાજા થયો શી છે  પછી પીડા તને કાંઇ?
નિજાનંદે  હંમેશાં બાલ  મસ્તીમાં  મઝા લેજે.


 બાળાશંકર કંથારિયા







નોધ:- આ માહિતી વિકિપીડિયા અને શ્રી રાજેશ મિસ્કીન લિખિત પુસ્તક માંથી લીધેલી છે.



નીતા શાહ