મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, February 19, 2016

નાસ્તિક ધર્મ


       નાસ્તિક ધર્મ



       ધર્મ પ્રત્યેની આસ્થા માણસમાં કુદરતી રીતે કે જન્મથી હોય છે, આ વાત મારા ગળે તો ઉતરતી નથી.સાવ નાના હોઈએ ત્યારથી આપણને ઘરમાં મંદિર હોય ત્યાં  ભગવાન નો ફોટો કે મૂર્તિ આગળ લઇ જઈને કહે છે,''બેટા  ભગાન ને જે જે કરો ''  બસ ત્યારથી જ બાળકોમાં એક વિચારબીજ રોપાય છે કે ભગવાન નામની કોઈ હસ્તી છે એને ભજવાથી કે પૂજવાથી જ આપણે સરસ રીતે મોટા  થઈએ છીએ ,સારું ભણી શકીએ છીએ  બ્લા બ્લા બ્લા....! પાછુ ધાર્મિક શ્લોકો કે મંત્ર કડકડાટ બોલી જનારા મુન્ના-મુન્ની ના ખુબ વખાણ થાય. હકીકત એ છે કે ''કાગનું બેસવું ને ડાળનું પડવું '' એવા કોઈ સંજોગોમાં ફાયદાકારક ઘટના ઘટે એટલે આ વિચાર દ્રઢ બની જાય અને એ  સિલસિલો ચાલુ રાખવા માટે પૂજા,પાઠ ,મંત્ર નો સિલસિલો પણ ચાલુ થઇ જાય. પ્રભુ પ્રત્યેની આસ્થા નેચરલ કરતા મેનમેઇડ વધારે હોય છે.
        અમેરિકા એટલે જાતજાતના આપણને વિચિત્ર લાગે તેવા અભ્યાસ અને સર્વેક્ષણ ની દુનિયા. એમાંથી નીકળતા નિષ્કર્ષોમાં આપણે કેટલો વિશ્વાસ મુકીએ તે આપણા પર છે.પણ ત્યાની અમેરિકન ફીઝીકલ સોસાઈટીએ એના એક સ્ટડી ના આધારે તાજેતરમાં જે તારણ બહાર પાડ્યું તે ખાસ્સું ઈન્ટરેસ્ટીંગ છે. આ અભ્યાસના આંકડા  કહે છે  દુનિયાના નવ દેશોની અંદર લોકોમાં ધાર્મિકતા ઘટી રહી છે.છેલ્લા સો વર્ષમાં લોક્વસ્તી અને ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધાનો અભ્યાસ કરીને આ તારણ કઢાયું છે.એટલે સાવ મો માથા વિનાની વાત તો ના કહી શકાય. જો આ તારણ ખરેખર સાચું હોય તો બીજાની ખબર નથી પણ મને બહુ આનંદ એ વાતનો થશે જયારે ભારતમાં આવી પરિસ્થિતિ ઉભી થશે.સમાજનો ડાહ્યો વર્ગ કહેશે દરેક ધર્મ સારો છે.પણ એને વિકૃત કરનારા લોકો ખરાબ છે. અને જો આ વાત સાચી હોય તો આપણે તો ભાઈ આવા ખરાબ લોકો સાથે જ જીવવાનું,મરવાનું ને હેરાન થવાનું છે.
''જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં?''
       ફક્ત ગ્રંથોમાં જ ધર્મ સાચવી રહે તો એમાં કોનું ભલું  થવાનું ?
એવું પણ કહેવાય છે કે ધર્મ માં માનતી વ્યક્તિ ખોટું કામ કરતા અચકાય. જો આ વાત સાચી હોય તો ધર્મસ્થળો, ટ્રસ્ટો અને ધાર્મિક સંગઠનો દુનિયાના સૌથી વધુ પ્રમાણિક અને પવિત્ર જીવો હોત ! પરંતુ દિલ પર હાથ મુકીને,દિમાગના દરવાજા  ખુલ્લા રાખીને કહો કે ખરેખર એવું હોય છે ખરું ?

 * મોટા ભાગના ચોર ડાકુઓ એમના કામે નીકળતા પહેલા પોતપોતાના ઇષ્ટ દેવનું નામ લે છે.
 * મહારાષ્ટ્ર ના ડાન્સબાર ને દુષણ ગણાવીને બંધ કરી દેવાયા,પણ આવા સંખ્યાબંધ બાર માં બહાર રિસેપ્શન એરિયામાં જુદા જુદા દેવદેવતા ઓની મૂર્તિ અને છબી હોય જ છે. બાર ઓપન થાય એ પહેલા એના માલિક કે મેનેજર  ત્યાં ધુપદીપ કરીને માથું નમાવી લે છે.
 * જુગારમાં બૈરી છોકરાઓને બરબાદ કરી નાખતા લોકો પોતાના પત્તા ઉપાડતા પહેલા ભગવાન ને યાદ કરે છે.
 * દુકાન માં જાતજાતના ધર્મવિષયક સ્ટીકર્સ લગાવી રાખનારા વેપારીઓ ભેળસેળ કે કાળાબજાર કરતા ક્યાં અચકાય છે ?
* કરોડોની કરચોરી અને બીજા ખોટા ધંધા કરનારા શ્રીમંતો એમની કમાઈ નો સાવ નાનકડો હિસ્સો ભગવાન ને ધરે છે.
* રોજ મંદિરે જતી સાસુઓ એમની વહુઓ પર જુલમ કરે છે.
* રોજ ઘરમાં દીવો કરતી વહુઓ પારિવારિક કાવાદાવાઓ કરે છે.

 શું આ બધાને ભગવાન નો ડર ક્યારેય રોકે છે ?આપણે જે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ એમાં જો બધા માનવાનું બંધ કરે તો કેટલા ઝગડા,છળકપટ, રમખાણો, ગંદી રાજકીય રમતો ઓછી  થઇ જાય.
મંદિર મસ્જીદ બનાવવાના નામે જમીનો ગપચાવવાનો અને શ્રધ્ધાળુઓને લુંટવાના બીઝનેસ પર તાળા વાગી જાય.આપણે જ કહીએ છીએ ને કે જેમ જેમ આગળ વધ્યા  તેમ તેમ ધર્મ વિકૃતિઓ ભળતી ગઈ છે.તો પછી વિકૃતિઓ પ્રત્યેનો લગાવ,એના પરનો આધાર ઓછો થાય તો  એમાં ખોટું શું છે ? ભલેને નાસ્તિક થઇ રહેલા લોકો પોતાની શક્તિ અને મહેનત માં વધુ વિશ્વાસ રાખતા થાય.
         ધર્મ શબ્દનો એક અર્થ થાય છે :- સજીવ કે નિર્જીવની મૂળ પ્રકૃતિ કે ગુણધર્મ. જેમ કે અગ્નિનો ધર્મ છે બાળવું  બીજો અર્થ છે . જેમ કે રાજા નો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું. ભગવાન હોય તો એમને પણ કદાચ આવા લોકો વધુ  ગમે.જે પોતાનો ધર્મ આપબળે ,પ્રમાણિકતાપૂર્વક  નિભાવે , વારંવાર ભગવાન ને ડીસ્ટર્બ ન કરે, સતત મદદ માટે પોકાર ન પાડ્યા કરે, ઈશ્વરને બાંધે નહિ   બાધાઓ રાખીને !
         ઘણીવાર નાસ્તિકને એવું  કહેવાય છે કે આ સમગ્ર વિશ્વને ચલાવનારી કોઈ શક્તિ  છે એટલું તો સ્વીકારો છો ને? ચલો માની પણ લીધું કે એવી કોઈ શક્તિ  હશે પણ આ શક્તિનું કામ આપણ ને હવા,પાણી,અને પ્રકાશ આપવાનું, એ પણ પૂરેપૂરું નિષ્ઠા સાથે. જીવનમાં એટલું તો ઉતારીએ અને  જીવન માં કર્તવ્ય પ્રમાણિકતા થી નિભાવીએ તો ય ઘણું છે .


નીતા શાહ
















ધુમ્મસ

        

          ધુમ્મસ 

 

   જુવો,રસ્તા વચ્ચે જ ઉભો હું 
   કોણ છે તું ?
   અરે,હું ?
   સાંભળ   હું એટલે 
   એક સ્વૈર વિહારી ધુમ્મસ 
   વાહનોની લાગી કતારો ને 
   રોડ આખો મારા સકંજામાં 
   ટ્રાફિક જામ છે રસ્તા ઉપર 
   થંભી ટ્રેનોની ગતિ ને 
   અટવાયા પેસેન્જરો 
   માથાભારે એવો હું
   ફ્લાઈટ પણ પડે લેટ 
   ઠંડી પડવી કુદરતી છે 
   એના પર સૃષ્ટિનો ઈજારો 
   એમાં મારો શું વાંક?
   તાબેદાર હું ઈશ્વરનો 
   દાદાગીરી કરવી જ હોય તો 
   કોને ઓલા સુરજને 
   ખોલે આંખો એની 
   ઝાકળનું રૂપ ધરીને 
   વિલીન થઈશ પળભરમાં 
   જળનું જ રૂપ 
   જળમાં જ અલોપ 

   નીતા શાહ
   











કોઈ મિત્ર મળે તો આમ જ સ્મિત રેલાવું છું...!


   આદત પડી ગઈ છે

 



   કોઈ મિત્ર મળે તો આમ જ સ્મિત રેલાવું છું
   હવે તો આદત પડી ગઈ છે ખુદને છેતરવાની

   જીંદગીની આ કસોટીમાં  પ્રશ્નો તો ઘણા અઘરા
   હવે તો આદત પડી ગઈ છે ઉત્તર આપવાની

   ઝાંઝવારુપી રસ્તામાં પરબો તો ઘણી આવી
   હવે તો આદત પડી ગઈ છે મૃગજળ પીવાની

   ઝાકમઝોળ ભરેલી દુનિયામાં ખોવાયા શબ્દો
   હવે તો આદત પડી ગઈ છે મૌનને પાળવાની 

   દરેક રમતમાં જીતાડ્યા એને એનીજ ખુશી માટે
   હવે તો આદત પડી ગઈ છે ખુશીથી હારવાની

   ઠોકર વાગી જો રાહમાં તો પથ્થરનો શું વાંક ?
   હવે તો  આદત પડી ગઈ છે દરદો સહેવાની

   પરવાહ ક્યાં સુધી કરતી રહીશ આ દુનિયાની
   હવે તો આદત પડી ગઈ છે ચર્ચામાં રહેવાની

   નીતા શાહ