મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, November 18, 2016

માઇક્રોફિક્શન વાર્તા ભાગ -૩






માઇક્રોફિક્શન વાર્તા ભાગ -૩


    [૧] ''ઓફીસ ટાઇમ''

મારા ઘરના બગીચામાં ચોમાસામાં માળી નવા છોડ વાવી રહ્યો હતો. મારા પડોશીનો નાનકડો પાંચ વર્ષનો પ્રથમ પણ ઉત્સુકતાથી બાજુ માં બેસી ગયો. માળીએ ઓફીસટાઇમ ફલાવરના થોડાક છોડ વાવ્યા. રાણી અને કેસરી રંગના આકર્ષક ફૂલો જોઇને પ્રથમે પૂછ્યું,'' આને શું કહેવાય?'' માળીએ કહ્યું,'' એનું નામ ઓફીસ ફ્લાવર છે. એ સવારે દસેક વાગે ખીલે અને સાંજે કરમાઈ જાય.'' પ્રથમ જરા વાર રહીને કહે, 'મારા ઘરે આ છોડ વાવી દેશો ?'' માળીએ ખુશીથી હા પાડી, પણ બે મિનીટ પછી પ્રથમ કહે,'' પણ મારા પપ્પા તો બાર વાગે ઓફીસ જાય છે તો એ બાર વાગે ખીલશે ? અને રવિવારે તો ઓફિસમાં રજા હોય તો એ નહિ ખીલે ?''

 નીતા શાહ


 [૨]  ''બાપા''


એક નાનકડું ગામ હતું. તેમાં એક ખેડૂતનું ગરીબ કુટુંબ રહેતું હતું. માતા-પિતા, દીકરો-વહુ અને એમનો છ મહિનાનો પુત્ર. ઘરમાં દરેક જણ પોતાનું કામ નિષ્ઠાથી કરે. બાપ દીકરો ખેતરે જઈને ખુબ મહેનત કરતા. એક દિવસ બપોરે ઘરે આવીને દીકરાએ જોયું કે તેમના નળિયાવાળા નાનકડા ઘરમાં વાંદરા કુદાકુદ કરીને કેટલાય નળિયા તોડી નાખ્યા હતા. ઘર ખુલ્લું થઇ ગયું હતું. વૈશાખ મહિનો હોવાથી ગરમ ગરમ લુ અને વળી આંધીને કારણે ધૂળ ને કચરો આવવા લાગ્યા. દીકરો બીજા જ દિવસે કુંભાર ને ત્યાં જઈને નળિયા લઇ આવ્યો. ખેતરેથી આવીને બપોરે સીધો છાપરે ચડ્યો ને નળીયાનું કામ કરવા લાગ્યો. વહુએ સસરાની થાળી પીરસી તેમને જમવા બોલાવ્યા. બાપાએ કહ્યું,'' ભઈની થાળી કેમ નો કાઢી, વહુ?''
'' ઈ તો નળિયા ગોઠવવા ઉપર ચડ્યા સે !''
''આવા આકરા તાપમાં ?'' કહી બાપા ફળિયામાં આવ્યા ને દીકરાને બુમ પાડતા બોલ્યા, '' અટાણે તાપમાં રે'વા દે, ટાઢા પોરે કરજે,બેટા.અટાણે ખાવા હાલ્ય. !'' દીકરો કામ માં મશગુલ હતો. તે બોલ્યો,'' બાપા તમે બધા ખાઈ લ્યો. હું આટલું કરીને આવું સુ'' ત્રણ ચાર વાર દીકરાને કહ્યું પણ દીકરો તો કામ માં મશગુલ અને બાપનો જીવ કપાય !
અંતે બાપા એ રસ્તો કાઢ્યો. છ મહિનાનો નાનકો ઘોડિયામાં નિરાંતે ઊંઘતો હતો. એમને હળવેક થી ઘોડિયું ઉચક્યું ને ફળિયાના તાપ માં વચોવચ મૂકી દીધું. ને પછી દીકરાને નીચે ઉતારવા બુમ પાડી. દીકરાએ જવાબ આપવા મ્હો ફેરવ્યું ને જોયું તો દીકરાનું ઘોડિયું ધોમધખતા તાપમાં ફળિયાની વચ્ચેવચ પડ્યું હતું. દીકરો મોટેથી બુમ પાડીને બોલી ઉઠ્યો ,'' બાપા ઓ બાપા ...આ ઘોડિયું લઇ લ્યો ! છોકરો તાપથી ધગી જાશે !'' પણ બાપાએ સાંભળ્યું નહિ અને ઘરમાં જતા રહ્યા હતા. દીકરો સડસડાટ નીચે ઉતરી આવ્યો ને ઘોડિયું લઇ ઘરમાં આવ્યો. બાપાનીસામે જોઇને બોલ્યો,'' આને આટલા તાપમાં મુકાતો હશે?''
બાપા તરત બોલ્યા,'' તને તારા છોકરા માટે આટલું લાગી આવે સે તો મને મારા છોકરા માટે નો લાગે ?''
દીકરો સમજી ગયો. હાથ-મ્હો ધોઈને જમવા બેસતા બોલ્યો,'' બાપા,હાલો જમવા !''

નીતા શાહ




  [૩]  ''સુક્ષ્મ''



થીયેટરની બહાર ઝગડો ચાલતો હતો. ડોરકીપર બે માણસો સાથે ઝગડી રહ્યો હતો. રાજુએ વિગત જાણવા પ્રયત્ન કર્યો તો બે માણસો એક જ ટીકીટ પર ફિલ્મ જોવા માંગતા હતા. બંને કાણા હતા !

નીતા શાહ




[૪]   ''ખામીને બનાવો ખૂબી''

દસ વર્ષના એક છોકરાઓ ડાબો હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો. એને જુડો શીખવાની ખુબ ઈચ્છા હતી. એક ચાઈનીઝ ગુરૂ સંમત થયા. છોકરો ખુબ ધગશવાળો હતો અને ફટાફટ શીખવા માંડ્યો.ત્રણ મહિના પછી ગુરુએ બીજા શિષ્ય થી અલગ પાડીને ફક્ત એક જ દાવ શીખવવાનું શરુ કર્યું. બીજા શિષ્યો અલગ અલગ દાવ શીખતા હતા અને આ છોકરો ફક્ત એક જ દાવ શીખતો હતો.
એવામાં એજ પ્રદેશ માં મોટી જુડો સ્પર્ધાનું આયોજન થયું અને ગુરુએ આ છોકરાને કહ્યું તારે ભાગ લેવાનો છે. છોકરા એ ના પડી કે મને તો એક જ દાવ આવડે છે અને મારો ડાબો હાથ પણ નથી.પણ ગુરુનો કડક આદેશ હતો. સ્પર્ધા શરુ થઇ ને ફાઈનલ સુધી પહોચી ગયો. તેનો પ્રતિસ્પર્ધી મોટો-ઉંચો અને હટ્ટોકટ્ટો હતો. દરેક ના આશ્ચર્ય વચ્ચે બે મીનીટમાં જ એક હાથવાળો છોકરો જીતી ગયો ! એ છોકરાએ ગુરુજીને પૂછ્યું,''ગુરુજી, હું ફક્ત એક જ દાવ જાણતો હતો છતાં કેવી રીતે જીતી ગયો ?''ગુરુજીએ કહ્યું,'' તે જે દાવ પર પ્રભુત્વ મેળવ્યું હતું તે જુડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી તારો ડાબો હાથ પકડે તો જ એ ચાલમાંથી છટકી શકે ! એટલે તારી જીત નક્કી જ હતી !''



નીતા શાહ 

[૫]   ''દિલો-દિમાગ''


શિયાળાના દિવસો હતા ને બાબુભાઈ ગામ ના પાદરે થઈને ખેતરે જઈ રહ્યા હતા. સાંજે સાત વાગ્યાનો સુમાર, અંધકાર અને સાવ સુમસામ રસ્તો ! ત્યાંજ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, જાણે પોતાના બચાવમાં બુમો પાડી રહી હતી. બાબુભાઈ ના પગ રોકાઈ ગયા અને પછી એ અવાજની દિશામાં ચાલવા માંડ્યું. પણ એમનું મન માનતું નહોતું. ખોટી પળોજણમાં પડવું, ક્યાંક હાથ પગ ભાંગશે અને પાછો પંચાયતમાં કેસ ચાલશે. દીકરીના લગન માથે છે ને મૂડી તો છે નહિ, ક્યાંક ભરાઈ પડશું ને દીકરી રઝળી પડશે ! એટલે મન કાઠું કરીને ખેતર ની દિશામાં ચાલવા માંડ્યા. થોડેક ગયા ને ફરી તીણી ચીસ કાને પડી,ફરી બાબુભાઈ ના પગ થંભી ગયા. જે થવું હોય તે થાય પણ મારે એ સ્ત્રીને બચાવવી જોઈએ એ મારી ફરજ છે. દિલે દિમાગનો કબજો લઇ લીધો અને ઝડપથી એ દિશામાં ચાલવા માંડ્યું. સાવ સામાન્ય કાઠું હતું એમનું પણ અત્યારે ગજબની તાકાત જાણે આવી ગઈ તી. એ ઝાંખરી વટાવીને આગળ ગયા તો બે હરામખોર એક સ્ત્રી ને સતાવી રહ્યા હતા. હાથ માં રહેલી ડાંગ ઉગામી ને ત્રાડ નાખી, ''છોડી દે નહિ તો જીવતો નહિ મેલું !'' પેલા બે હવસખોર બીક ના માર્યા ઉભી પુછડીયે નાઠા. પેલી સ્ત્રી ઝાડવા ના ઓથે ઉભી ઉભી સિસકી ભરી રહી હતી. બાબુભાઈ બોલ્યા,'' બેન મારી, ડર નહિ બહાર આવી જા, નરાધમો ભાગી ગયા છે !'' અને એ સ્ત્રી બહાર આવી ને બોલી, ''બાપુ, તમે ?'' અને છુટ્ટા મોએ બાપુને વળગીને રોવા લાગી !

નીતા શાહ





Wednesday, November 16, 2016

ઝરણું





ઝરણું
એક સાતત્યપૂર્ણ નીરવ સંવાદ
અલ્પ પ્રવાહ
નથી નાદ
નથી નિનાદ
નથી સાગર જેટલી વિશાળતા
નથી સાગર જેવું તોફાન
 છતાં ય
કેટલું આત્મસંતોષી ?
કેટલું સશક્ત ?
કેટલું નિર્મળ ?
પણ
તેની નાનકડી શક્તિ
કેટકેટલાને પોતાનામાં
અંકિત કરી દે છે !

નીતા શાહ










Wednesday, October 5, 2016

'પતંગિયું'



 'પતંગિયું'

કતારબંધ પતંગિયાઓ માંથી
સાવ જુદું તરી આવતું
 એક પતંગિયું વિખૂટું પડ્યું અને
આંખોમાં શમણાં રોપી ગ્યું
અહીંથી તહી
તહીથી અહી
ફરરર  પાંખો ફફડાવીને
એની પૂંઠે દોડવા લલચાવી રહ્યું તું
 જાણે કહેતું તું ફોલો મી ...
પછી તો નિત્યક્રમ
ઉઠતા, બેસતા,ઊંઘતા
અદભુત આકાર
બેનમુન કુદરતે પૂરેલી રંગોળી
લાવણ્યમયી મુગ્ધા
અને
એક દિવસ
આગોશભર્યા સ્પર્શે
તરફડાટ કરતુ
ચીરનિંદ્રામાં પોઢી ગયું
સજળ આંખે
સફેદ રૂમાલમાં સાચવીને
વ્હાલના ગોખલામાં પધરાવ્યું
થોડા દિવસમાં તો
રૂપ બદલતા
એ અદકેરા સ્મૃતિચિન્હને
અંગત ડાયરીના પાનામાં
સજાવી દીધું ...
અશ્રુઓના અભિષેક સાથે ...


નીતા શાહ












' અટ્ટહાસ્ય '



' અટ્ટહાસ્ય '

પત્ની પતિના બાહુપાશમાં
સણસણતો તમાચો
પ્રિયે, મારા કરતા પણ
વધુ વ્હાલ કે પ્રેમ
બીજાને તો નહિ કરે ને ?

પત્ની હવે જનની
વ્હાલસોયા પુત્રને ખોળામાં રમાડતા
હર્ષોઉલ્લાસ સાથે
બેટા, મારા કરતા પણ
વધુ વ્હાલ કે પ્રેમ
બીજાને તો નહિ કરે ને ?

યુવાન બનેલો બાળક
પોતાની સહધર્મચારીણીને
વધુ ચાહવા લાગ્યો
જનની કરતા પણ વધુ
જીવન મંચ ઉપર સતત અને સતત
ભજવાતું આ નાટક જોઇને

અટ્ટહાસ્ય વેરે છે વિધાતા
ગડમથલમાં રાચે છે
કોણ કોને છેતરે છે ?
પતિ પત્નીને ?
બાળક માતાને ?

નીતા શાહ














   ગાલગાગા ગાલગાગા  ગાલગા

  
   લાગણીની ભરતીમાં ગઈ વહી
   હું મને જ મુજમાં મળતી નથી
   
   કેદ કાવ્યોમાં શબ્દો એવા બધા
   પેતરાંથી દાઢ જ્યાં ગળતી નથી
 
    ગીત મીઠાં બેસુરા ગાએ  સહુ
    ભેંકડા એ સૂરને  તાણતા નથી

    કોઈ આવીને હસ્તાક્ષર કરી જશે
    ડાયરી માં શ્યાહી તો ભળતી નથી  

   

ત્રણ પેઢી



 ફાર્મ હાઉસ



 પરિવારજનોએ નક્કી કર્યું
  ફાર્મ હાઉસ પર
  દિવાળી ઉજવવી

સૌના દિલ હિલ્લોળે ચડ્યા
કેટકેટલું ખડક્યું મોટરની ડીકીમાં ?
જાતજાતના નાસ્તા
અથાણું ને થેપલા
ફૂલ અને રેકેટ
બોલ અને બેટ
પત્તા ને ચેસ

એક મોટરમાં મહારાજ,ઘરઘાટી ને સામાન
બીજી મોટરમાં હું અને મારી પત્ની
મમ્મી અને પપ્પા
બા અને દાદાજી
સાથે તોફાની બારકસ
શ્લોકા અને વેદાંત


 અંતાક્ષરી રમતા રમતા
 ક્યારેક ભજન કે ગરબા
ક્યારેક હિન્દી ફિલ્મી ગીત
ક્યારેક અંગ્રેજી રાયમ્સ
બા નો તો ખુલ્યો ચોપડો ...

સુંદર બગીચો ને
સરસ મજાનો હિંચકો
આગળ જતા સુસજ્જ મઢુલી
કોયલ,કાબર ને કાગડો
કાઉકાઉ ને કુહુ કુહુ

દાદાજી તો ખુશખુશાલ
કોન્ક્રીટના જંગલમાંથી
પ્રકૃતિના ખોળે રમવાનો અવસર
કતારબંધ આંબા ને ચીકુડી
લીંબુડી ને દાડમડી

લાકડીનાં ટેકે થોડું આગળ જતાં,
આ શું ?
નજરે પડ્યું માટીનું ઢેફું
અને સરી પડ્યા ૧૯૫૦ ના ખેતરે

એ ય ડાંગરના ચાસ પાડ્યા હોય
બાજરાના ડોડા હિલ્લોળતા હોય
વાવણીનાં ગીતો ગવાતા હોય
રોટલા શાક ને છાશનું શિરામણ હોય
જમણી કોરા ગામનું ભાગોળ
ટેકરી પર દાદાનો ય દાદો વડદાદો હોય
વડદાદાનાં ખોળે હીંચતું બાળપણ હોય
થોડે આગળ રખોપા કરતી મા ખોડલની દેરી
સંધ્યાટાણે ઘંટારવ સાથે ગવાતી આરતી
એની સામે જ કાચી માટીનું ખોરડું
આંગણે ઢોલિયા પર ખૂંખારો કરતા ભાભા
હારે એમનો હૂકો....
ગુડગુડગુડ ...ગુડુગુ...ગુડ

મોતિયા  ઝરેલી આંખોએ
ચલચિત્રની જેમ દ્રશ્ય ઝીલ્યું
બેતાલાના કાચ પલળી રહ્યા'તા
બે દીવા ગોતી રહ્યા'તા
ખેતર
પાદર
ગામ
મંદિર
વડલો
ભાભો
પણ ....
અહી ફાર્મ હાઉસમાં ખેતર હતું?
હતુ તો ક્યાં હતું ?

 દોડતી દોડતી દીકરી શ્લોકા આવી
અરે, દાદાજી કેમ ક્રાય કરો છો ?
વ્હાલથી ગોદમાં લેતા દાદાજી બોલ્યા,
દીકરા, ઢેફું જોયું
દાદાજી ઢેફું કેવું હોય ?
દાદાજીએ માંડી વાત
શ્લોકાની અચરજ ભરી આંખો
અગણિત સવાલો
ભૂલાતા આપણા ગુજરાતી શબ્દો
પણ અંગ્રેજીને તો બાથે ભરીએ
શ્લોકા તાળીઓ પાડવા માંડી
કલેપ કલેપ કલેપ...
દાદાજીએ તો યમ્મી યમ્મી સ્ટોરી કહી



નીતા શાહ









''કરોડપતિ કવન'' [માઈક્રોફિક્શન]





''કરોડપતિ કવન'' [માઈક્રોફિક્શન]

કવન ની આજે પચીસમી વર્ષગાંઠ હતી. પ્રાઈવેટ કંપનીમાં જોબ હતી સાથે એમબીએ પણ કરી રહ્યો હતો. પોતે ખુબ જ કેરિયર ઓરીએન્ટેડ હતો. ખુબ જ મહેનતુ હતો ને જીવન માં નામ અને દામ કમાવાની ઈચ્છા હતી. છેલ્લા ઘણા દિવસથી તેના મગજ માં એક વૈચારિક વોર ચાલતું હતું કે ગમે તેમ કરીને મારી પાસે  ૬૦મા વર્ષે એક કરોડ રૂપિયા હોવા જોઈએ. પપ્પાને પૂછ્યું સાથે ઘણા મિત્રોને પણ પૂછ્યું પણ કોઈ પાસેથી સંતોષકારક જવાબ ન મળ્યો.
તેને વિચાર આવ્યો દાદાજીને પૂછીશ તો મને સાચો જવાબ મળશે. અગાઉ પણ દાદાજી મને કેટલી હેલ્પ કરતા હતા ! તેમની પાસે દરેક સવાલ ના જવાબ હોય છે. પણ એ તો છેલ્લા બે વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહે છે. તેણે મનોમન નક્કી કર્યું કે તે દાદાજીને મળવા જશે અને મન નું સમાધાન મેળવશે જ ! બીજે દિવસે સાંજે તે દાદાજીને મળવા ગયો અને પૂછ્યું,'' દાદાજી મારે ૬૦માં વર્ષે એક કરોડ રૂપિયા જોઈએ છે તો મારે શું કરવું જોઈએ ?'' થોડું વિચારીને દાદાજીએ જવાબ આપ્યો,'' બેટા, અત્યારે તને ૨૫ મુ વર્ષ ચાલે છે અને ૬૦ માં વર્ષે તારે એક કરોડ જોઈએ છે તો તારી પાસે ૩૫ વર્ષ છે કમાવા અને બચત કરવા માટે ! અત્યારે ફુગાવો ૭.૫ % છે એટલે તને ૧૨.૫% રીટર્ન મળી શકે. કરોડપતિ થવા માટે માસિક ૧૭૭૭/- રોકાણ ચાલુ કર સળંગ ૩૫ વર્ષ સુધી...! તો ૬૦માં વર્ષે તારી પાસે ૧,૦૧૮૮,૫૭૭/- હશે. કવન નું તો મોઢું ખુલ્લું જ રહી ગયું ! ''તો દાદાજી તમે અહી કેમ ?'' કવન થી પુછાઈ જ ગયું. '' કવન બેટા, મારી બચત મેં મારા દીકરાઓ પાછળ ખર્ચી નાખી કારણ તે વખતે એવો વિશ્વાસ હતો કે મારે તો કરોડ કરોડ ના બે દીકરાઓ છે, મારે શું ચિંતા ?'' આંખોના ખૂણા લુછતા દાદાજીએ જવાબ આપ્યો.

નીતા શાહ  

'સુખદ મૃત્યુની અભિવ્યક્તિ' [માઇક્રોફિક્શન વાર્તા]





'સુખદ મૃત્યુની અભિવ્યક્તિ'  [માઇક્રોફિક્શન વાર્તા]

'જીવન સંધ્યા' નામના વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષોથી ૮૫ વર્ષના જીવીબેન રહેતા હતા. જીવીબા સ્વભાવે ખુબ જ હસમુખા,પરોપકારી,ધર્મિષ્ઠ અને પુસ્તકપ્રેમી હતા. રોજ ધાર્મિક પુસ્તકો વાંચીને સૌને સંભળાવે અને પોતાનાથી થાય તેટલા બધાના કામ કરે. કોઈક સાજુ-માંદુ હોય તો સૌથી પહેલા જીવીબા હાજર !
આવા જીવીબા ની એક જીદ હતી...ઇચ્છામૃત્યુની ! જોકે તેમના હસતા ચહેરે કાયમ સંતોષની રેખાઓ ઉભરી આવતી અને જીવન પ્રત્યે ક્યારેય કોઈ ફરિયાદ પણ નહોતી. બસ એક જ ઈચ્છા હતી મરજી મુજબના મૃત્યુની ! ત્યાંના ટ્રસ્ટી મહેશભાઈ તેમને ખુબ સમજાવે પણ સ્ત્રી હઠ અને એમાય એક વૃદ્ધ સ્ત્રીની હઠ...! મહેશભાઈ એ સમજાવ્યું કે કાયદાની દ્રષ્ટિ એ પણ શક્ય નથી અને એમાં વકીલ પાસે એફીડેવીડ કરાવવી પડે.પણ જીવીબા માન્યા નહિ ને વકીલને બોલાવો મારે મળવું છે એવી રટ લઈને બેઠા. મહેશભાઈ એ વકીલને ફોન કર્યો. બીજે દિવસે સવારે વકીલ મળવા આવવાના હતા. ત્યાંજ પુત્રવધુનો ફોન આવ્યો કે તેમના દીકરાને ડાયાલીસીસ પર રાખ્યો હતો અને કોમા માં હતો, આજે થોડું ભાન આવ્યું છે ને તેમની છેલ્લી ઈચ્છા તમને મળવાની છે, તો હું તમને લેવા આવું છું બા !
નીતા શાહ

Sunday, October 2, 2016

''સ્માર્ટ સ્ટોરી'' [બાળવાર્તા]




  ''સ્માર્ટ સ્ટોરી'' [બાળવાર્તા]
એક ખુશનુમા સવારે સુરજના સોનેરી કિરણો ફેલાઈ રહ્યા હતા. પણ અષાઢ મહિનાના પ્રારંભમાં જળ ભરેલા કાળા ડીબાંગ વાદળો ક્યારેક સૂર્યના કિરણોને ઢાંકી દેતા હોય છે. જાણે સંતાકુકડી ન રમતા હોય! આવા સુંદર વાતાવરણમાં વર્ષારાણીની ધીમા પગલે સવારી આવી પહોચી. મારા નિત્ય ક્રમ મુજબ વસ્ત્રાપુરથી જજીસ રોડ સુધી મોર્નિંગ વોક પર નીકળી હતી. ત્યાં જ એક સુંદર દ્રશ્ય નજરે પડ્યું.
ત્યાં જજીસ રોડ બસ-સ્ટેન્ડ પાસે રંગબેરંગી રેઇનકોટ, સ્કૂલબેગ અને વોટર બોટલથી સજ્જ ભૂલકાઓ તેમના પેરેન્ટ્સ સાથે સ્કૂલબસની રાહ જોતા હતા. અમુક બાળકો ખુશ હતા તો અમુક નારાજ હતા. આવો જ એક નારાજ અને ચુલબુલો બાળક રોહન ખીજાઈને બોલ્યો,'' કેમ આટલા બધા વર્ષોથી રોજ રોજ સ્કુલે જવાનું ?'' તેના આવા આકસ્મિત સવાલથી પેરેન્ટ્સ હસવા લાગ્યા પણ નાનકડા બાળકને આ 'અપમાન' લાગ્યું.
ત્યાંજ બાજુમાં દુધની એક મોટી ડેરી હતી.ત્યાં દુધવાળા ભાઈ એક મોટા ક્રેટમાંથી દૂધ અને દુધની પ્રોડક્ટસ ને અલગ તારવી રહ્યા હતા. જેમાં દુધની થેલીઓ, દહીં,માખણ અને ઘી ના પેકેટ્સ હતા. ત્યાં શાંત અને ગંભીર ઉભેલા દાદાજીએ પોતાના અંદાજમાં એક સુંદર વાત કરી.
'' રોહન, શું તે આ દુધના બોક્સને જોયું છે? પાઉચ માં જે દૂધ છે તે ગાયના પેટમાં હતું. ચારે બાજુથી સુરક્ષિત, પણ ત્યારે તેની કોઈ કિંમત નહોતી. તે ફક્ત વાછરડાનું પેટ ભરી શકત. ત્યાં હાજર રહેલા દરેક બાળક અને તેના પેરેન્ટ્સ બધાએ વાર્તા પર કાન માંડ્યા.
દાદાજીએ આગળ કહ્યું,'' દૂધવાળો આ ગાયને દોહે છે અને મિલ્ક વેન્ડિંગ કંપનીને આપે છે. તેના બદલે તેને અમુક રૂપિયા આપે છે. આશરે એક લીટરના ૨૫ રૂપિયા લેખે. પછી તે દૂધ અમુક પ્રોસેસમાંથી પસાર થાય છે. જેમ તારી મમ્મી તેને ઉકાળે પછી ઠંડુ પડે એટલે એમાંથી મલાઈ કાઢી નાખે છે.આ જ દૂધ જયારે કંપની વેચે ત્યારે તે ૪૦ રૂપિયે લીટર થઇ જાય છે. આ દૂધ જે તારી સામે રાખ્યું છે.દુધમાં જયારે થોડું દહીં નાખવામાં આવે અને આખી રાત તેને અમુક તાપમાને રાખવામાં આવે છે. અને તે દૂધ દહીં બની જાય છે.આ દહીં ૬૦ રૂપિયે કિલો છે જે તારી સામે છે. જયારે દૂધમાંથી મલાઈ કાઢી નાખીને પછી અમુક પ્રોસેસમાંથી પસાર થઇ ને તે માખણ બની જાય છે. તેની કિંમત ૨૫૦ રૂપિયે કિલો થઇ જાય છે. જયારે આ જ માખણ ફરી પ્રોસેસ માંથી પસાર થાય છે,તેને ગરમ કરવામાં આવે તો તે ઘી બની જાય છે.તે ૪૦૦ રૂપિયે કિલો વેચાય છે.તે ઘી પણ સામે રાખ્યું છે. હવે જુવો કઈ રીતે દુધે ગાયના પેટમાંથી સફરની શરૂઆત કરી હતી ત્યારે તેના પર કોઈ પ્રાઈઝ ટેગ નહોતી.ઘી બન્યા પછી તેના પર ૪૦૦ /- રૂપિયાનું પાઈઝ ટેગ લાગ્યું છે.જો કોઈ સાચે પોતાના જીવનને કિંમતી બનાવવા ઈચ્છે છે અને તમારા ડેડી કે નજીક ઉભેલા અંકલની જેમ બનવા ઈચ્છે છે તો તેને આગમાં તપવું પડશે, પોતાનું સ્વરૂપ બદલવું પડશે અને નામ પણ બદલવું પડશે. જેમ કે ડોક્ટર,એન્જીનીયર,વૈજ્ઞાનિક,અર્થશાસ્ત્રી,કલાકાર વગેરે. તેનાથી દુનિયા તમારી કિંમત સમજે છે. જો બેટા, તને એવું લાગે કે સ્કુલ આગ છે તો તે સાચું જ છે. આ આગ દરેક વર્ષે તમને કઈક કિંમત  આપે જ છે અને તે દિશામાં લઇ જાય છે જ્યાં તમે જવા ઈચ્છો છો.''
દાદાજીએ વાર્તા પૂરી કરી. બીજા બાળકોની તો ખબર નહિ પણ રોહન ના ચહેરે એક નવી ચમક ઉભરી હતી અને જીવન ની અઘરી લાગતી વાત તેને સમજાઈ ગઈ હતી. યુવાન પેરેન્ટ્સ પણ શાંત અને ચકિત હતા. વાર્તા કહેવી તે એક કળા છે.જો વાસ્તવિકતા સાથે સાચી રીતે જોડવામાં આવે તો તે સ્માર્ટ સ્ટોરી બની જાય છે. આ વાર્તાઓ નવી પેઢી સાથે તાલમેલ બેસાડવાનો પણ સારો ઉપાય છે.

નીતા શાહ