મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, March 21, 2017

હાશકારો થાય જયારે નીરખું ઓ શામળા



ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

 હાશકારો થાય જયારે નીરખું ઓ શામળા
આંખ મીચું તું જ ભાસે વીરમું ઓ શામળા
ગોમુખીમાં ફેરવું પારા પ્રભુનાં નામનાં
એક ભૂલું બે ગણું હું ભૂલથી ઓ શામળા
ચોરટો ચોરી કરે માખણ જમે જો વ્હાલમાં
ગોપિયું સૌ ફાલતુ ફિસાદ રે ઓ શામળા
બોલ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તાળીનાદ થી
સ્થાન પરથમ રાધિકાનું બીજું ના ઓ શામળા
પ્રેમપ્યાસી ગોરિરાધા કાનકુંવરની ટેવ જો
પ્રીત,શૌર્ય સહચરાનું સાયુજ્ય રે ઓ શામળા

નીતા શાહ   

વાર્તા એટલે શું?

'' વાર્તા ''
વાર્તા એટલે શું ? એની કોઈ વ્યાખ્યા ના થઇ શકે. વ્યક્તિગત રીતે કહું તો વાર્તા એટલે કોઈક ઘટના નું નિરૂપણ જે આપણને પ્રતીતિ કરાવે તે ! પર્વતો,નદીઓ જેટલી વાર્તા જૂની છે એવું કહી શકાય કારણ જવલ્લે જ કોઈ વ્યક્તિ એવી હશે જેનો વાર્તા સાથે પનારો ના પડ્યો હોય ! વાર્તાના મુખ્યત્વે બે પ્રકાર હોઈ શકે એક પ્રાચીન અને બીજી અર્વાચીન. તેમાં પણ વિભાગ પાડી શકાય જેમ કે બાળવાર્તા, ધાર્મિક વાર્તા, સામાજિક વાર્તા, રહસ્યમય વાર્તા, ઐતિહાસિક વાર્તા, રાષ્ટ્રીય વાર્તા વગેરે. વાર્તાની લંબાઈની વાત કરીએ તો એ લઘુ વાર્તા હોય, વાર્તા હોય કે નવલિકા હોય લંબાઈ પરિમાણ નથી. વાર્તા માટે લેખક કેવી સામગ્રી લે છે અને તેનું રૂપાંતર કેવી રીતે થાય છે,તેના પર તેની લંબાઈનો આધાર છે. વાર્તાના સ્વરૂપ પ્રમાણે પણ તેની લંબાઈ નક્કી ના થઇ શકે. વાર્તામાં સર્જકે બધું જ કહી દેવાનું નથી,અવ્યક્ત કથન હોવું જોઈએ પણ તેમાં પણ અતિરેક ના હોવો જોઈએ. વાંચક સમજી જ ના શકે તેવું અવ્યક્ત ના હોવું જોઈએ.
વાર્તાના ઘટકો :-
# ઘટના~  કશુંક બનવું, ઘટના ઘટવી એ વાર્તાનો હાર્દ છે. ઘટના કોઈ પણ હોઈ શકે પણ સર્જક કેવી રીતે નિરૂપણ કરે છે તે અગત્યનું છે. ઘટનાને કોઈ નિયમ ન હોય કે ન કોઈ વ્યાખ્યા હોઈ શકે. ઘટનાની પ્રતીતિ કરાવવાની છે. પાત્ર મરતું હોય તો જાતે મરવું જોઈએ, સર્જકે મારવું ના જોઈએ.
# વિષયવસ્તુ ~ વાર્તામાં વિષયવસ્તુ નક્કી કરીને તેની માવજત કરવી જોઈએ. ઘણી વાર એક જ વિષય પર અલગ અલગ લેખકો વાર્તા લખે છે અને દરેક વાર્તા ભિન્ન હોય છે, કારણ દરેક લેખક એની માવજત અલગ અલગ પોતાના વિચારોને અનુરૂપ કરે છે.
# પાત્રનિરૂપણ ~ વાર્તામાં મનુષ્ય પાત્રો જ હોય છે. કેટલાક પાત્ર પરિમાણવિહીન હોય છે જે અંત સુધી પણ બદલાતા નથી. કેટલાક પાત્રો પરિમાણસભર હોય છે, જે બદલાતા રહે છે. ટૂંકી વાર્તા માં ઓછા પાત્રો હોય છે અને એક જ પાત્ર કેન્દ્રસ્થાને હોય છે.
# કથનકેન્દ્ર ~ વાર્તામાં કથનની રીત કેવી છે ? વાર્તા લેખક કહે છે કે પછી પાત્ર ?
# વસ્તુસંકલન ~ એક ઘટના ને બીજી ઘટના સાથે કેવી રીતે ગૂંથવી ? ગૂંથણી પણ કલાત્મક હોવી જોઈએ.
# ભાષાનું સ્તર ~ સ્થળ,સંજોગો અને પાત્ર પ્રમાણે ભાષા હોવી જોઈએ. પાત્રને અનુરૂપ ભાષા બદલાતી પણ હોવી જોઈએ.
કહેવાય છે કે ૧૯૮૦ ના દાયકા પછી ટૂંકી વાર્તાનો સુવર્ણયુગ આવ્યો. ગ્રામ ચેતનાની વાતો, નારી ચેતનાની વાતો અને દલિત ચેતનાનો પ્રવાહ સુંદર રીતે આલેખાયો છે. બિંદુ ભટ્ટ,કુંદનિકા કાપડિયા, હરીશ નાયક,કિરીટભાઈ દુધાત,મોહન પરમાર,દલપત ચૌહાણ જેવા અનેક સારા વાર્તાકાર આપ્યા.

નીતા શાહ
નોધ: ઉપરોક્ત માહિતી 'સંધાન' AGIC ના અલગ અલગ વિડીઓ દ્વારા મેળવી છે.

શિખરિણી છંદ
સોનૅટ

પ્રભાતે ઊગ્યો ને, શતદલ નદીને પદ પડે
વસુધા આકાશે, નયન શરથી ચુંબન કરે
દસે બાજુએથી,પવન ફરકાવે તરુવરે
રમા જો આઘેથી, અધર સુરખી જો  ચસચસે
સખીઓ સૌ મારી, હ્રદય કમળે આલય મહીં
અધીરી સૌ જો ને, રમત રમતી સાક્ષર તણી
યમાતા માતારા, નસલ સલગા ભાનસ લગા
કહેવાતા છંદો, પઠન કરતાં ભાવ જ વહે
સ્વભાવે દેખાવે, શરદ સરખી કોમળ વસે
પ્રભાતે પ્રિયાંશી, ધવલ સમ મા શારદ દિસે
જમાનો છંછેડે, ઉરગ રૂપમાં કૌવત ભરે
પ્રપંચો સામે જ્યાં, અચલ ગઢ કાળે થરથરે
અહો હે દેવાત્મા, અરજ રજ મારી જ સુણજો
અહં સાથે ઈર્ષા, સકલ જગમાં નાશ જ કરો

નીતા શાહ