મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, February 6, 2016

લઘુ વાર્તા “અધૂરા થયા પૂરા”




                                       “અધૂરા થયા પૂરા”
   
ફેસબુકની આકાશી અને આભાસી વર્ચ્યુઅલ દુનિયામાં બે વર્ષ પહેલા આકાશ નામના તેજસ્વી યુવકે ફ્રેન્ડ સજેશન લિસ્ટમાં વારંવાર હાઈલાઇટ કરતી રાધાકૃષ્ણના પ્રોફાઇલ પિક્ચરવાળી ધરા શાહ નામની સમવયસ્ક યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ને એકાદ મહિના લાંબા સમય પછી આકાશની સંપૂર્ણ એફ.બી. પ્રોફાઈલ ચકાસીને ધરાએ આકાશની મિત્રતા સ્વીકારી.
    ક્યારેક જ ફેસબુક પર પોતાના વિચારો પ્રકટ કરવા આવતી ધરાને આકાશની પોસ્ટ વાંચી એની હ્યુમર તરફ આકર્ષાતી હતી, લાઇક કોમેન્ટ વડે બંને એકબીજાની પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ હાજરી પુરાવતા જતાં હતા. આકાશ રોજ ઓવન ફ્રેશ જોક્સ લખીને સૌને હળવા કરતો બીજી તરફ ધરાને પણ બે-ચાર લીટીની શાયરી લખવાનો શોખ હતો. આ કારણે બંનેનું ફ્રેન્ડ અને ફોલોવર્સનું લિસ્ટ પણ ખાસું લાંબુ હતું.
    મિત્રોની અને ફોલોવર્સની વધતી સંખ્યા વચ્ચે આકાશ અને ધરા એકધાર્યા લાઇકસ અને કોમેન્ટ્સનો દોર વટાવી ઓપન ટાઇમલાઇન પરથી અંગત બાઈલાઇનવાળા મેસેજના ચેટબોક્સમાં વાતચીતની હારમાળા શાયરી તો ક્યારેક સ્માઇલી વડે કરવા લાગ્યા ને પછી તો જોતજોતામાં ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા.
    ફેસબુકના સંબંધો હળવે-હળવે વિશ્વાસ અને વહાલપૂર્ણ બન્યા ત્યારે આકાશે ધરાના મોબાઇલ નંબરની માંગણી કરી. ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાનો પર્સનલ નંબર ન આપનાર ધરા આકાશને કશું વિચાર્યા-સમજ્યા વિના પોતાનો નંબર આપી બેસી. ધરાએ તો આકાશનો ફોટો પણ જોયો ન હતો અને પોતે રાધાકૃષ્ણનું પ્રોફાઈલ પિક્ચર રાખ્યું હોવાથી તેને પણ આકાશે ક્યારેય જોઈ ન હતી.
    આકાશ માયાનગરી મુંબઈ રહેતો હતો અને ધરા સાબરમતીનાં કિનારે અમદાવાદમાં. આ સ્થળનું અંતર વ્હોટ્સઅપનાં મેસેંજર બોક્સમાં ઘટીનેને નિકટ થયું. રોજ સવાર-સાંજ અને રાતનાં નિયત સમયે આતુરતાપૂર્વક બંને એકબીજાનાં સવાલ-જવાબ અને મેસેજની રાહ જોતા અને ચેટ દ્વારા વિધવિધ વિચારોની આપ લે થતી. ક્યારેક ક્રિકેટ વિશે તો ક્યારેક કપિલ લાફ્ટર વિષે તો ક્યારેક ગાલીબ વિષે તો ક્યારેક ભવિષ્યનાં સપનાં અને ઘર-પરિવાર વિષે ચર્ચા થઈ બંનેની વચ્ચે મૌનની રેખા ખેંચાઈ જતી. અવિરત પસાર થતાં સમયની સાથે ધીમે-ધીમે બંનેના ગમા-અણગમા પણ ચર્ચામાં રહ્યા અને જીવનમાં એક પોતાનાપણાની હૂંફાળી મીઠાશ ઉમેરાઈ ગઈ, ધરા અને આકાશ મનોમન એકબીજાને ગમવા લાગ્યા.
    એકદિવસ દરરોજની જેમ ધરા ઓનલાઇન થઇ ત્યારે આકાશનો મેસેજ વાંચવા મળ્યો કે, ''એક ગુડ ન્યૂઝ  આપવાના છે.''
    એકવાર માટે તો ધરા ગભરાઈ ગઈ હતી કે શું હશે?  એક સામટા કેટકેટલા વિચારોએ ધરાને ઘેરી લીધી. ત્યાં જ આકાશનું હેલો વાંચ્યું. ફરી આકાશ ટાઈપિંગ લખેલું દેખાયું. ત્યાં ધરા પૂછી લીધું, “શું ગુડ ન્યૂસ છે?”
    હું અમદાવાદ આવી રહ્યો છું. મળશે?” ક્ષણાર્ધ માટે તો ધરાને ધ્રાસકો પડ્યો પણ બીજી જ ક્ષણે તેણે આકાશને મળવાનો નિર્ણય કરી લીધો આખરે તો ધરા પણ એને મનોમન ચાહતી અને મળવા માગતી હતી. બંને એકબીજાને ઓળખશે કેવી રીતે? તેના માટે ધરા કહ્યું પોતે પિંક સ્લીવલેશ ટોપ ને નેવી બ્લ્યૂ જીન્સમાં આવશે અને આકાશ તારે વ્હાઈટ શર્ટ ને બ્લેસ જીન્સમાં આવવાનું રહેશે. બીજા દિવસે મળવાનો સમય અને સ્થળ નક્કી થયો.
    એ રાત બંને ઊંઘ ન આવી. પ્રશ્નોનો દોર એક પછી એક બંનેનાં દિલ-દિમાગમાં સમાન રીતે ચાલ્યો કે, કેવા દેખાતો/તી હશે? શું થશે? રિયલ લાઇફમાં એકબીજાને પસંદ તો પડશું ને? કાળી રાતની ચાંદનીમાં બંને ખુલ્લી આંખે રંગીન સપનાઓમાં રાચતા હતા. બંને વચ્ચે એક અનોખો સ્નેહનો સેતુ હતો અને તે હતો વિશ્વાસનો!
    ધરા અને આકાશનાં મિલન દિવસનો સુરજ કઈક જુદો જ લાગતો હતો,  સોનેરી કિરણો ધરાના કાનમાં જાણે કઈક ચાડી ખાઈ રહ્યા હતા, આકાશને મળવાની મનોમન તીવ્ર ઈચ્છા હતી તો સાથે એક ડર પણ હતો બીજી બાજુ વિશ્વાસ પણ હતો. ગની દહીવાલા ની ગઝલ ના શબ્દો ગણગણતી હતી ''દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઇ જશે નિજ શત્રુઓથી સ્વજન સુધી ....'' નિત્ય કર્મ આટોપીને ધરા અરીસા સામે ગોઠવાઈ ગઈ. પોતાનું જ પ્રતિબિંબ જોઇને એ શરમાતી, હરખાતી પોતાનામાં જ ખુશ હતી પિંક સ્લીવ લેસ ટોપ,  રેશમી ખુલ્લા વાળ, હલકો મેકઅપ અને મેચિંગ ઈરીન્ગ્સમાં સાચે કોઈને પણ પ્રથમ નજરે ઉત્તેજિત અને આકર્ષિત કરી મૂકે તેટલી દેખાવડી લાગતી ધરાએ  ફેવરીટ પરફ્યુમ લગાવ્યું. અચાનક ધડીયાળમાં નજર ગઈ,  ‘ઓહ.ગોડ’ ફટાફટ સેન્ડલ પહેરીને દુપટ્ટો મોં પર બાંધીને ગોગલ્સ પહેર્યા અને એકટીવા સ્ટાર્ટ સી.સી.ડી. જવા માટે પોતાના ટુ વ્હીલર પર નીકળી પડી. ધરાએ ગતિથી જજીસ રોડ પરના સી.સી.ડી તરફ પ્રયાણ કર્યું.
    સી.સી.ડી.નો ગેટ ખોલતા જ એની આંખો આકાશને આમતેમ શોધી રહી હતી. ત્યાં જ એક ટેબલ પર રેડરોઝના બુકે સાથે વ્હાઈટ શર્ટ એન્ડ બ્લ્યુ ડેનીમ માં એક દેખાવડો યુવક એને જોવા મળ્યો. એને જોતા જ જાણે એના ધબકારા વધી ગયા હતા. આકાશ તરફ જઈને જ વિનમ્રતાપૂર્વક ઈશારાથી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વિના પૂછ્યું કે, આપ જ આકાશ છો?” વિસ્મયથી ધરા આકાશને અને આકાશ ધરાને ઘડીભર માટે જોતાં રહી ગયા. આકાશે બુકે ધર્યો, ધરાએ સ્વીકાર્યો અને ચેર ખેંચી આકાશની સામે બેસતા હાથ જોડી આભાર માન્યો. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછીથી આકાશે બોલવાની શરૂઆત કરી,
“ધરા સાચે જ આપ ખુબ સુંદર લાગો છો.” આકાશની વાત પર ધરાએ ફક્ત ડોક નમાવી નાનકડું સ્માઈલ આપ્યું. આકાશે કહ્યું કે, ધરા સૌ પ્રથમ તો કોઈ બીજી ગોળગોળ વાત ન કરતાં મારે તમને એક સીધી સત્ય વાત કહેવી છે. જે મેં તમારાથી છુપાવી છે અને એ વાત સાંભળ્યા પછી બની શકે તમે મારી જોડેની મિત્રતા તોડી પણ શકો. આફ્ટર ઓલ. તમારો જે નિર્ણય હશે તે મને મંજુર છે.” આકાશે ધરાનો કુંમળો હાથ પકડી કહ્યું,આજથી છ વર્ષ પહેલા એક એકસીડન્ટમાં મેં મારો જમણો પગ ઘૂંટણીયેથી ગુમાવ્યો હતો, આ તમે જોઈ રહ્યા છો તે મારો નકલી પગ છે.” ધરા આકાશ સામે જ જોઈ રહી હતી. કોઈપણ રિલેશનશિપમાંમાં આગળ વધતા પહેલા સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે, તમને યોગ્ય લાગે તે નિર્ણય લઇ શકો છો ધરા. આપણા સંબંધો વિશ્વાસની ઈમારત પર ચણાયા છે એટલે હું તેમાં કશું છુપાવી તમને દુ:ખી કરવા માગતો નથી.”
    આકાશની વાતો પર ઘરા મરક મરક હસવા લાગી હતી. ધરાએ ધીમા સ્વરે કહ્યું, “આકાશ હું તમને ખૂબ જ ચાહું છું અને તમને હું અંધારામાં રાખવા નથી માંગતી. સૉરી બટ, હું સાંભળી શક્તી નથી. મારા જેવી બધીર સાથે તમે આગળ નહિ જ વધો એ હું જાણું છું. એટલે જ હું તમને મળવા માંગતી હતી, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ હોય પણ હું ખુબ ખુશ છું. મારા મન નો ભાર હલકો થઇ ગયો. આપણે મિત્રો તો રહીશું જ ને?
    ધરાનાં લાગણીસાભાર શબ્દો આકાશનાં કાને પડી એ ભાવુક થઈ ઉઠ્યો. પ્રભુનો મનોમન આભાર માનતો આકાશ શું કહેવું શું ન કહેવું તેની અસમંજતામાં પડી ગયો.
    ખિસ્સામાંથી પેન કાઢી પેપર નેપકીન લઈ થોડા સમય પહેલા ધરાને જે વાત અવાજમાં જણાવી હતી એ અક્ષરથી લખી આપે સાથે તે ધરાને સાચા દિલથી પ્રેમ કરે છે અને ભવિષ્યમાં પણ કરતો રહેશે તે પણ અંતરની લાગણીથી લખી ધરાને આપ્યું. આકાશનું લાગણીશીલ લખાણ વાંચીને ધરાની નમણી આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા અને આકાશની આંખોમાં આંખો પરોવીને ધરા બોલી, “આઈ લવ યુ આકાશ ....!!!”
નીતા શાહ