મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, October 2, 2016

''સ્માર્ટ સ્ટોરી'' [બાળવાર્તા]




  ''સ્માર્ટ સ્ટોરી'' [બાળવાર્તા]
એક ખુશનુમા સવારે સુરજના સોનેરી કિરણો ફેલાઈ રહ્યા હતા. પણ અષાઢ મહિનાના પ્રારંભમાં જળ ભરેલા કાળા ડીબાંગ વાદળો ક્યારેક સૂર્યના કિરણોને ઢાંકી દેતા હોય છે. જાણે સંતાકુકડી ન રમતા હોય! આવા સુંદર વાતાવરણમાં વર્ષારાણીની ધીમા પગલે સવારી આવી પહોચી. મારા નિત્ય ક્રમ મુજબ વસ્ત્રાપુરથી જજીસ રોડ સુધી મોર્નિંગ વોક પર નીકળી હતી. ત્યાં જ એક સુંદર દ્રશ્ય નજરે પડ્યું.
ત્યાં જજીસ રોડ બસ-સ્ટેન્ડ પાસે રંગબેરંગી રેઇનકોટ, સ્કૂલબેગ અને વોટર બોટલથી સજ્જ ભૂલકાઓ તેમના પેરેન્ટ્સ સાથે સ્કૂલબસની રાહ જોતા હતા. અમુક બાળકો ખુશ હતા તો અમુક નારાજ હતા. આવો જ એક નારાજ અને ચુલબુલો બાળક રોહન ખીજાઈને બોલ્યો,'' કેમ આટલા બધા વર્ષોથી રોજ રોજ સ્કુલે જવાનું ?'' તેના આવા આકસ્મિત સવાલથી પેરેન્ટ્સ હસવા લાગ્યા પણ નાનકડા બાળકને આ 'અપમાન' લાગ્યું.
ત્યાંજ બાજુમાં દુધની એક મોટી ડેરી હતી.ત્યાં દુધવાળા ભાઈ એક મોટા ક્રેટમાંથી દૂધ અને દુધની પ્રોડક્ટસ ને અલગ તારવી રહ્યા હતા. જેમાં દુધની થેલીઓ, દહીં,માખણ અને ઘી ના પેકેટ્સ હતા. ત્યાં શાંત અને ગંભીર ઉભેલા દાદાજીએ પોતાના અંદાજમાં એક સુંદર વાત કરી.
'' રોહન, શું તે આ દુધના બોક્સને જોયું છે? પાઉચ માં જે દૂધ છે તે ગાયના પેટમાં હતું. ચારે બાજુથી સુરક્ષિત, પણ ત્યારે તેની કોઈ કિંમત નહોતી. તે ફક્ત વાછરડાનું પેટ ભરી શકત. ત્યાં હાજર રહેલા દરેક બાળક અને તેના પેરેન્ટ્સ બધાએ વાર્તા પર કાન માંડ્યા.
દાદાજીએ આગળ કહ્યું,'' દૂધવાળો આ ગાયને દોહે છે અને મિલ્ક વેન્ડિંગ કંપનીને આપે છે. તેના બદલે તેને અમુક રૂપિયા આપે છે. આશરે એક લીટરના ૨૫ રૂપિયા લેખે. પછી તે દૂધ અમુક પ્રોસેસમાંથી પસાર થાય છે. જેમ તારી મમ્મી તેને ઉકાળે પછી ઠંડુ પડે એટલે એમાંથી મલાઈ કાઢી નાખે છે.આ જ દૂધ જયારે કંપની વેચે ત્યારે તે ૪૦ રૂપિયે લીટર થઇ જાય છે. આ દૂધ જે તારી સામે રાખ્યું છે.દુધમાં જયારે થોડું દહીં નાખવામાં આવે અને આખી રાત તેને અમુક તાપમાને રાખવામાં આવે છે. અને તે દૂધ દહીં બની જાય છે.આ દહીં ૬૦ રૂપિયે કિલો છે જે તારી સામે છે. જયારે દૂધમાંથી મલાઈ કાઢી નાખીને પછી અમુક પ્રોસેસમાંથી પસાર થઇ ને તે માખણ બની જાય છે. તેની કિંમત ૨૫૦ રૂપિયે કિલો થઇ જાય છે. જયારે આ જ માખણ ફરી પ્રોસેસ માંથી પસાર થાય છે,તેને ગરમ કરવામાં આવે તો તે ઘી બની જાય છે.તે ૪૦૦ રૂપિયે કિલો વેચાય છે.તે ઘી પણ સામે રાખ્યું છે. હવે જુવો કઈ રીતે દુધે ગાયના પેટમાંથી સફરની શરૂઆત કરી હતી ત્યારે તેના પર કોઈ પ્રાઈઝ ટેગ નહોતી.ઘી બન્યા પછી તેના પર ૪૦૦ /- રૂપિયાનું પાઈઝ ટેગ લાગ્યું છે.જો કોઈ સાચે પોતાના જીવનને કિંમતી બનાવવા ઈચ્છે છે અને તમારા ડેડી કે નજીક ઉભેલા અંકલની જેમ બનવા ઈચ્છે છે તો તેને આગમાં તપવું પડશે, પોતાનું સ્વરૂપ બદલવું પડશે અને નામ પણ બદલવું પડશે. જેમ કે ડોક્ટર,એન્જીનીયર,વૈજ્ઞાનિક,અર્થશાસ્ત્રી,કલાકાર વગેરે. તેનાથી દુનિયા તમારી કિંમત સમજે છે. જો બેટા, તને એવું લાગે કે સ્કુલ આગ છે તો તે સાચું જ છે. આ આગ દરેક વર્ષે તમને કઈક કિંમત  આપે જ છે અને તે દિશામાં લઇ જાય છે જ્યાં તમે જવા ઈચ્છો છો.''
દાદાજીએ વાર્તા પૂરી કરી. બીજા બાળકોની તો ખબર નહિ પણ રોહન ના ચહેરે એક નવી ચમક ઉભરી હતી અને જીવન ની અઘરી લાગતી વાત તેને સમજાઈ ગઈ હતી. યુવાન પેરેન્ટ્સ પણ શાંત અને ચકિત હતા. વાર્તા કહેવી તે એક કળા છે.જો વાસ્તવિકતા સાથે સાચી રીતે જોડવામાં આવે તો તે સ્માર્ટ સ્ટોરી બની જાય છે. આ વાર્તાઓ નવી પેઢી સાથે તાલમેલ બેસાડવાનો પણ સારો ઉપાય છે.

નીતા શાહ