મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, June 7, 2012

જીવન ની દરેક ક્ષણોને મરજી મુજબ જીવી શકી હોત ...!

                                 કાશ....

જીવન ની દરેક ક્ષણોને 
મરજી મુજબ જીવી શકી હોત 
હૃદયના દરેક ધબકારને 
પોતીકો માનીને ઝીલ્યો હોત...

જિંદગીના દરેક  પડાવોમાં 
તે સાચી હૂંફને સીંચી હોત...
વારંવાર મળતી ઉપેક્ષાઓથી 
વિંધાતા કાળજાને જોઈ શક્યો હોત...

લાગણીના અને હૂંફના બે બોલથી 
અતૃપ્ત આત્માને તૃપ્તિ આપી હોત 
સતત સંઘર્ષમાં પસાર થતી પળોમાં 
વેદનાના વાદળોને વિખેરી શક્યો હોત...

વાતોવાતોમાં મૌનને તોડીને
આર્થિક-સામાજિક વાતો શેર કરી હોત 
કેટકેટલી વાર મન ને માર્યું તું 
માણીગર બનીને સમજી શક્યો હોત...

ઈચ્છા હતી હસતા-રમતા જીવનની 
અહમના પર્વતને પીગળાવી શક્યો હોત 
ફફડતી-તરફડતી એક નારીજીવનમાં 
નાહકની શંકાની સોય ચિંધાઈ ન હોત... 

નીતા.શાહ.
5/6/12..મંગળવાર 











Monday, May 28, 2012

લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં...!



લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં,
સત્ય અને સ્નેહની સોગાત છે મહેણાં

ભાસ અને આભાસ વચ્ચે ભીંસાતી નારી,
ખુશિયા વેરતી ને ગમને સમેટતી નારી 

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની જીંદગી
ઝબલું ને શ્વેત કફન વચ્ચેની જીંદગી

અડધા 'સ'ને કાઢું  સ્મરણનું થાય મરણ  
અડધા 'સ'ને કાઢું સ્વજનનું લાગે વજન

કેવી રીતે ભૂલું આપી વચન ભૂલવાનું
કેવી રીતે જીવું આપી વચન મરવાનું

નીતા.શાહ.




Wednesday, May 23, 2012

અહેસાસ શોધું છું ....23/5/12



 અહેસાસ


ક્યારેય સારા-નરસા વિચારોને 
પ્રગટવા ન દે 
તેવો અહેસાસ શોધું છું 

ક્યારેય સુખદુખના આવરણને 
સ્પર્શવા ન દે 
તેવો ગમ શોધું છું 

ક્યારેય પાંપણના  અશ્રુઓને 
ભીંજાવા ન દે 
તેવો તાપ શોધું છું 

ક્યારેય ગમ ના કાળા વાદળોને 
બંધાવા  ન દે 
તેવો ચાંદ શોધું છું 

ક્યારેય કોઈ ઓળખે કે ન ઓળખે 
ભુલાવા ન દે 
તેવું સ્વજન શોધું છું 

નીતા.શાહ.

Wednesday, May 16, 2012

કલ્પના...


 કલ્પના...
વેરાન જંગલો વચ્ચે 
ઊંચા બનીને ઉભવું
શું એ પર્વતનું ગૌરવ છે..?
કદાચ મજબુરી પણ હોઈ શકે
તેનું અસ્તિત્વ એટલે નરી એકલતા....
સાગરનું તપીને
વરાળ બનવું
શું એ બાષ્પીભવન છે...?
કદાચ સુરજની કોશિશ પણ હોઈ શકે
સાગરને આકાશની સફર કરાવવાનું....

આકાશમાંથી તારાનું
ખરી પડવું
શું એ એની ગફલત છે...?
કદાચ અંતિમ ઈચ્છા પણ હોઈ શકે
અફાટ ધરતીનું કફન ઓઢવાનું....

વૃક્ષ પરથી પર્ણનું 
ખરી પડવું
શું એ વૃક્ષનો નિર્ણય છે...?
કદાચ એ પાનખર પણ હોઈ શકે
પુન:જન્મ  લઈને નવજીવન જીવવાનું ...

લીલાછમ ઘાસ 
પરની જળબુંદ 
શું એ સાચે ઝાકળ છે...?
કદાચ એ ઘાસનું આંસુ પણ હોઈ શકે
દુઃખ ભારોભાર વાદળે નહિ બંધાયાનું...

નીતા.શાહ.

લાગણી



 લાગણી


નામ ક્યાં આપી શકાય  કેટલાક સબંધોને
છતાં બેનામ બંધાય છે આ લાગણી
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે
તો પણ ઝન્નતની સેર કરાવે લાગણી...

ક્યારેક ઉભરાઈ ઉઠે  હૃદય વાટે તો
વહેતા ઝરણા સમી આ લાગણી
ક્યારેક મનમાં ધૂંધવાતી ને છુપાતી
પ્રિયજનના સુખે હસી પડે લાગણી

ભલે ને હોય ગમે તેટલા કોસો દુર
નિકટતાનો અહેસાસ કરાવે લાગણી
એકમેકને  જોડી રાખતી આ કડી
જીવંત રાખે એકમેકને આ લાગણી...

નીતા.શાહ.

Monday, May 14, 2012

ભાસ અને આભાસ


ભાસ અને આભાસ

ભાસ અને આભાસ 
કેટલો તફાવત છે?
ધરા અને આકાશ 
જેટલો તફાવત

સ્વાર્થ અને પરમાર્થમાં 
કેટલો તફાવત છે?
અનર્થ અને અર્થ
જેટલો તફાવત

સમજ અને અણસમજ 
કેટલો તફાવત છે?
'હોવું' અને 'ન-હોવું'
જેટલો તફાવત

ગીત અને ગઝલ 
કેટલો તફાવત છે?
સાજ અને આવાજ
જેટલો તફાવત

પ્રેમ અને શ્રદ્ધા
કેટલો તફાવત છે?
ફૂલ અને સુગંધ 
જેટલો તફાવત

નીતા.શાહ.




Tuesday, May 8, 2012

સાથે મારી ''ઓકાત'' ની પરખ થઇ ગઈ..

આજે મારી ''જાત' સાથે ઓળખ થઇ ગઈ..
સાથે મારી ''ઓકાત'' ની પરખ થઇ ગઈ..

સંવેદના ઝીલવાના બિંદુઓ વેરાઈ ગયા
વેદનાની સોયથી શબ્દો સિવાઈ ગયા

મોકો માંગ્યો તો કોઈના મારગ બનવાનો
રસ્તા પણ વાંકાચૂકા નહિ ઢાળ બનવાનો

થાય કોઈ ભૂલ તો પછી બાળ બની જવું
તે કાપે તે પહેલા તૂટેલી ડાળ બની જવું

નીતા.શાહ.




Sunday, April 29, 2012

આજે '' વિશ્વ- નૃત્ય દિન''

આજે  '' વિશ્વ- નૃત્ય દિન''

ચિત્રકારનો આત્મા તેની આંગળીમાં,
ગાનાર નો આત્મા તેના કંઠમાં અને
નૃત્યકારનો આત્મા તેના આખા એ શરીર માં રહેતો હોય છે...

[ખલીલ જિબ્રાન]

સાંસ્કૃતિક વૈવિધ્યને અસરકારક રીતે અને હાવભાવ સાથે વર્ણવવા માટે નૃત્યથી સારું કોઈ માધ્યમ જણાતું નથી. આપણે ત્યાં નૃત્યના બે દેવતા ગણાય છે. ભગવાન શંકર જે ''નટરાજ'' કહેવાયા અને ભગવાન શ્રીકૃષ્ણ '' નટવર'' કહેવાયા. ભગવાન શંકરે પોતાના ગણ ને નૃત્ય શીખવ્યું જયારે ભગવાન શ્રીકૃષ્ણ એ ગોપીઓ સાથે નૃત્ય કર્યું. નૃત્ય માં ભક્તિભાવ ભળ્યો.

ભારતમાં નૃત્યકલા ની પુનઃ પ્રતિષ્ઠા નો યશ રવીન્દ્રનાથ ટાગોરે,ઉદય શંકરજી, વાલ્લાથોલ, મીનાક્ષી સુન્દરમ,પિલ્લાઇ,થીયોસીફીસ્ટ રુકમણી દેવી અરુન્દેલજી અને કેલુચરણ મહામાત્ર ને આપવો પડે.

ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યની તાલીમના વિધિવત વર્ગોની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી..??
ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યના વ્યવસ્થિત તાલીમના વિધિવત વર્ગો ની શરૂઆત શ્રી ધરમશીભાઈ મુળજીભાઈ શાહે સન ૧૯૪૫ માં ભાવનગર માં એક જ વિદ્યાર્થીની થી જ કરી હતી.....! 
અમદાવાદ માં 'દર્પણ' ની સ્થાપના ૧૯૪૯,
                     'નૃત્યભારતી' ની સ્થાપના  ૧૯૬૦
                     'કદંબ' ની સ્થાપના ૧૯૬૩....


નૃત્ય માટે તપ કરનાર આ સર્વ તપસ્વીઓને  થનગનાટ પૂર્વકના વંદન...!!!


નીતા.શાહ.









Wednesday, April 25, 2012

શ્રદ્ધાસ્પદ અને વિશ્વાસપાત્ર....! ૨૫/૪/૧૨...




મને શ્રધ્ધાસ્પદ 
અને વિશ્વાસપાત્ર 
બનવું અતિ 
પ્રિય છે....

મને બદલાની 
ભાવના અને 
મુલ્યાક્તિ બનવું 
અપ્રિય છે....

મને નિખાલસ  
અને અપેક્ષારહિત 
બનવું અતિ 
પ્રિય છે....

મને અતિનિકટતાના 
સ્થાને વિવેકની 
લક્ષ્મણરેખા અતિ 
પ્રિય છે.... 

નીતા.શાહ.

Tuesday, April 24, 2012

પ્રેમની પરિભાષા ન સમજાય ત્યારે.....૨૪/૪/૧૨...!

પ્રેમની પરિભાષા ન સમજાય ત્યારે
મળેલા ઝખ્મો રૂઝાય તો ય ઘણું...

આશ ના સહારે જીવી રહી જીંદગી
યાદોના સહારે મરાય તો ય ઘણું...

સુકાઈ ગયા છે અશ્રુ પણ આંખોમાં
સપનાનો સાગર ભરાય તો ય ઘણું...

બની ગયા મહેલ પણ ખંડેર હવે 
પગરવ ક્યાય સંભળાય તો ય ઘણું...

સમજાય છે લીધેલ અબોલા સખા
મુખે તારા બેવફા બોલાય તો ય ઘણું...

આસપાસમાં જ છતાં ય ક્યાય નહિ 
જગ ની ભીડ માં તું દેખાય તો ય ઘણું...


નીતા.શાહ.

વાસ્તવિકતા ના ધરતીકંપ થી...!

વાસ્તવિકતા ના ધરતીકંપ થી
તૂટેલી ઈમારત મારી
રેતી માં ઘર બનાવું કઈ રીતે?

પાંખ વિનાનું પંખી હું તો
યાદો ના પિંજર માં કેદ 
મુક્તગગનમાં વિહરું કઈ રીતે?

અસ્તિત્વના થયેલ વિભાજનમાં 
રસ્સી ખેંચની રમતમાં 
એકાંતને ખેચી લાવું કઈ રીતે..?

મારું તારું કે તારું મારું ...સખા
આપણું બનાવાની મમતમાં 
સહિયારું બનાવું કઈ રીતે....?

નીતા.શાહ. 

Monday, April 23, 2012

'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?'




'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?' અથવા
 તો કોઈકે આપણા થી શું કામ બદલાવુ જોઈએ...???''

આટલી ઝીણી વાત જીવન માં કાંતિ લઈએ તો,
સબંધ ના ગમા-અણગમા ...વરાળ બની જશે..!
રસ્તા ને આવન-જાવન ના નિયમો છે
સબંધો ને લાલન-પાલન ના નિયમો છે....!!!

નીતા.શાહ.

સ્નેહ શું માંગે છે? સાબિતી કે પછી પ્રતીતિ..?...અબ્રાહિમ લિંકન

અબ્રાહમ લિંકન ના પિતાની આ વાત છે.


એમના પિતાએ તેમનું ખેતર કોઈક અજાણ્યા માણસ ને વેચી દીધું હતું.
ખેતર વેચ્યા પછી પણ અબ્રાહમ લિંકન ના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા.
અબ્રાહમ લીન્કને તેમના પિતાને પૂછ્યું,'' તમે શું કામ ખેતરમાં કામ કરો છો?
જયારે ખેતરના માલિક બદલાઈ ગયા છે.''
અબ્રાહમ લિંકન ના પિતાએ વળતો જવાબ આપ્યો,
'' આ ફૂલ-છોડને થોડી ખબર છે કે એનો માલિક બદલાઈ ગયો છે...?''

સ્નેહ શું માંગે છે? સાબિતી  કે પછી પ્રતીતિ..?
નથી લાગતું સાબિતીઓ પણ સ્વાર્થમાં ખરડાયેલી હોય છે...?
સામે ની વ્યક્તિને ખબર પડ્યા વિના તેને ચાહવું....
શું કહેશો એને..? બેવકૂફી....કે  પછી ઈબાદત...?

નીતા.શાહ.

Saturday, April 21, 2012

દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....!




દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....

દીદારની આશ ધરી
પાંપણ ને ભીની કરી
દલડાં માં હેત ભરી
જો નામ તારું કોતરી 

યાદો ની વણઝાર સાથે હું તમને ચાહું છું...

બિરાજે મન-મંદિરે
મૌન ને સથવારે 
આતમ ના ઈશારે  
વ્હાલપ ની વેદીએ

હર એક ધબકાર સાથે હું તમને ચાહું છું...

નીતા.શાહ.


Tuesday, April 17, 2012

પરબીડિયું ખાલી પણ....!!!

પરબીડિયું ખાલી પણ 
છલોછલ હોય છે સુગંધથી
વ્યાસપીઠ છે અનુભવોની
મુક્ત મૌન હોય છે પ્રબંધથી


શ્વાસોચ્છવાસ ચાલે તારા પણ 
હાશકારો હોય છે સબંધથી
ક્યાંક વેરાયેલી મળું તને
સમેટવાની હોય છે પ્રેમાંધથી 

ઘુટું નામ પાટીમાં બાળસહજ
નીરખવો હોય છે સખાબંધથી
રેતીના ઘરની રમત માં 
રોકવાના હોય છે જળ બંધથી

શાશ્વત રહેવા જન્મેલો કાગળ
લખાણો હોય છે ગઝલોછંદથી
ક્યાંક પસ્તી ન બની જાય 
ગુથવાના હોય છે શબ્દો સુરંગથી 

આશ્ચર્ય ચિન્હ જેવો પ્રેમ તારો
સકારણ હોય છે હેતુબંધથી
નિયમો ક્યાં પ્રેમની ભાષામાં
બંધાયેલા હોય છે 'હું'ના બંધથી 

સરનામાં વિનાના બાંધેલ ઘરને
નેમપ્લેટ ક્યાં હોય છે સબંધથી 
અવર-જવર તો ચાલ્યા કરે
કમાડ ક્યાં હોય છે ઋણાનુંબંધથી 


નીતા.શાહ. 






Monday, April 16, 2012

Mother's Day...માતૃદિન



 

       મારા ભારત દેશમાં તો રોજ ઉજવાય 
               '' MOTHER'S DAY''

એનું જીવન એટલે નિબંધ નહિ
પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં 
વહેંચાયેલી આત્મકથા....
વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે 
અને આપણાં શ્વાસ એટલે
એના મૂળને ઉગેલા ફૂલ
એ બધા ની છે પણ 
એનું કોઈ નથી...

'માં' એટલે થાકનું વિરામ 
'માં' એટલે જીવતરનો આરામ 
મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ 
આફતો સામે લડવાનો શ્રીયંત્ર 
આપના દુઃખોનું ફિલ્ટર 
આપના સુખોનું પોસ્ટર 
આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો 
આપણી ભૂલોને છાવરતો જુસ્સો 

બાળકની પહેલી રેફરેન્સ બુક 
અન્લીમીટેડ લવ 
શિયાળાની હુંફ 
ઉનાળાની ઠંડક 
વરસતું વ્હાલ 

બે સંતાનો વચ્ચેના અબોલા ની 
મૌન વેદના તેની આંખોમાં વંચાય
રક્ષાબંધન ના દિવસે જયારે 
બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે
ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીને 
સજળ આંખે ઉડાઉડ કરે છે...
ત્યારે ખીલેલા ચહેરામાં તમને 
ઈશ ની અનુભૂતિ થશે...!
જાણે કહેતી હશે કે જોયું
મારું ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય
પ્રભુને એક અગરબત્તી વધારે કરે
ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે
જયારે જયારે પાડોશી સાથે વાત કરે 
આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે 
સંતાનોની પ્રગતિના સમાચાર
એની વાત ની ''હેડલાઈન'' હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,
ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે 
કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે 
આપણે કોરી આંખે રડીએ ત્યારે
પાલવ તો તેનો જ ભીંજાય છે
એના વિષે મૌન રહી શકાતું નથી 
ને બોલવામાં ગોથું ખાઈએ છીએ 

આપણે એને ક્યાં રાખીએ છીએ?
એ જ આપણ ને  રાખે છે...
આંખ સામે ઘરડી થાય છે
કશું જ નથી આપી શકતા
જયારે ખબર પડે છે
જયારે સમજાય છે ...
ત્યારે...???
ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!
નીતા.શાહ.









સંબોધનો બદલાય મૂડ મુજબ....!





સંબોધનો બદલાય મૂડ મુજબ
સંબોધનો બદલાય સ્થળ મુજબ
સંબોધનો બદલાય ટોપિક મુજબ
સંબોધનો બદલાય સમય મુજબ




ક્યારેક મિત્ર બદલાય પ્રેમી થાય
ક્યારેક પ્રેમિકા બદલાય બહેની થાય
ક્યારેક  સ્નેહી બદલાય માતા થાય
ક્યારેક 'હું' બદલાવું તો 'કોણ' થાવું?


કેવી ડુગડુગી વગાડે આ સંબોધન
સંબોધન બદલવાથી માણસ બદલાય?
ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે
તો શું બાપ ને ક્યારેક ગધેડો કહેવાય..?


કેવી છે આ આંટીઘૂંટી સંબોધન ની..!
જલસા છે પ્રાણી અને પક્ષીઓ ને
કોઈ જફા જ નહિ..કોણે શું કહ્યું?
નખરા બધા આ માનવ જાતને..


નીતા.શાહ.




લાગણીના વાટકી વ્યવહારમાં ...!





લાગણીના વાટકી વ્યવહારમાં 
અક્કડતા ઢીલી કરવી પડશે
સંવેદના ઝીલવી હશે તો
મન મોકળું કરવું પડશે

જોઈએ છાશ ને છુપાવી દોણી
સામે દોણી ધરવી પડશે
સાતત્ય સાચવવું હશે તો
કસમ ખાઈને કહેવું પડશે


ઈકરાર અને ઇન્કારની ખો માં 
દીવાનગી તો કરવી પડશે
શરમાળ પ્રકૃતિ હશે તો 
હામ ખોવાની રાખવી પડશે


તમાશો જોવા ઉભા કિનારે
ડૂબકી મારતા શીખવું પડશે
મોતી ગમતું જોઈતું હશે તો
મરજીવા પણ બનવું પડશે


જાતને પીછાણ સ્વ ને જાણ
કૂડકચરો ખાલી કરવો પડશે
ન લપેટ ખુમારીને અહં માં 
નહિ તો મોં ની ખાવી પડશે 

જો આ પ્રથા-રસમ-રીવાજો 
જ્યાં છે ત્યાં જ રાખવા પડશે
ખુમારી હોય તો બતાવી દે
નફરતને પ્રેમ માં વળવું પડશે 

નીતા.શાહ.






Friday, April 13, 2012

'' નિરાશાવાદી''

     '' નિરાશાવાદી''


નિરાશાવાદી તો તેને કહેવાય....
જે પોતાની જીંદગી આખી ડાર્ક-રૂમ માં વિતાવે
નેગેટીવ ને ડેવલપ કર્યા કરે...

નિરાશાવાદી તો તેને કહેવાય...
સૂર્ય આકારો તપતો હોય ત્યારે તે 
માવઠા ની આગાહી કરે...
બધું સમુસુતરું ચાલતું હોય તોય કહે
કઈ લાંબુ ચાલશે નહિ...
કોઈ માયા,મૈત્રી કે પ્રેમ બતાવે ત્યારેય તે
શંકા-કુશંકા માં અટવાયા કરે...

સુંદરતા દેખાતી નથી
 પીડા ને ઘર બનાવે
ટૂંકી દ્રષ્ટિ ધરાવે
બધું જ ખાલીખમ
કાળું મેશ 
નકરી ઉદાસી...હતાશા...અંધકાર...!!!

પણ મિત્રો
દરેક સિક્કાની બે બાજુ હોય છે..
જરા દ્રષ્ટિ ને ફેરવો...
પ્રકૃતિ,સૂર્ય,ચંદ્ર,નદી,ઝરણું,સાગર,ફૂલ,પતંગિયું....વગેરે 
કેટલું જીવંત લાગશે
કેટકેટલું શીખવશે આપણને 
ધબકતું વિશ્વ,અસીમ પ્રેમ...!!!
કેટલું અદભૂત...!!!

કોર્નર:- હતાશાવાદી કરતા આશાવાદી વધુ જીવે છે,હતાશાવાદી જીવતા નથી હોતા એને દાટો કે બાળો
એ પહેલા જ મારી ચુક્યા હોય છે...!

નીતા.શાહ.

મારી પ્રાર્થના ...હે સર્જનહાર ...!

હે સર્જનહાર,

મારા વિચારો ને એટલા ઉદાર કરો કે
બીજા માણસનું દ્રષ્ટિ-બિંદુ સમજી શકું,
મારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજા પ્રત્યે તેને વહાવી શકીએ
મારા મન ને એટલું સંવેદનશીલ કરો કે
બીજા ઓ ક્યાં ઘવાયા છે તે જોઈ શકું
મારા હૃદય ને એટલું ખુલ્લું કરો કે બીજા નો 
પ્રેમ ઝીલી શકું

મારા ચિત્તને એટલું ઉજ્જવળ કરો કે
પોતાના અને પારકાના ભેદથી ઉપર ઉઠી શકું...

હે મુરલીધર,

મારી દ્રષ્ટિને એવી જ્યોતિર્મય બનાવો કે
જગત માં રહેલા તમામ સૌન્દર્ય અને સત્ય ને 
નીરખી શકું....
મારી ચેતના ને એવી સુક્ષ્મ કરો જેથી તારા 
સંકેતોને પારખીને 
જીવન નું માર્ગદર્શન પામી શકું.....!!!

[ કબીર ખાડા બજાર મેં, લિયે લુકાઠી હાથ।
  જો ઘર ફૂંકે આપના,ચાલે હમારે સાથ ।।]
                              કબીર.

શ્રી કૃષ્ણ શરણં મમ...!!!


નીતા.શાહ