મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, September 16, 2016

જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય..!


'' જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય''


એન્ટીસિપેટેડ અથવા ધારી લીધેલી સમસ્યા આપણ ને મૂળ સમસ્યા કરતા વધુ પજવે છે. એટલે કે જ્યાં પ્રતિકુળતા છે ત્યાંથી ભાગવું અને બીજે ક્યાય જઈને અનુકુળતા શોધવાનો પ્રયાસ કરવો. ફરી પાછી ત્યાં પ્રતિકુળતા મળે એટલે ત્યાંથી પણ છટકવું અને ફરીથી નવેસરથી અનુકુળતાની શોધ કરવી.દરેક સમસ્યાને સમસ્યા તરીકે જોવાને બદલે સમસ્યાને જિંદગીના ભાગ તરીકે જોઈએ તો આપોઆપ એના રસ્તા ખુલતા જાય છે.ખિસ્સા કાતરુના ભયથી મેળાની મજા પડતી મુકે તો કેટકેટલું ગુમાવવું પડે !!
કોઈ એક  માણસનો  આપણે સ્વીકાર કરીએ એટલે એની સારી-નરસી તમામ બાબતોનો સ્વીકાર કરીએ છીએ. પણ સતત સ્વીકારથી સામેવાળા ને આપણે નરસી બાબતોને સુધારવા નો મોકો જ નથી આપતા એવું પણ બને.  જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય, પણ હા, તે જીભથી નહિ પણ જીવ થી થવો જોઈએ.કોઈ પણ વૃક્ષ માણસની નાતજાત જોઇને છાંયડો આપે છે ? અરે, એને પથ્થર મારે તો એને પણ વૃક્ષ ફળ આપે છે !

નીતા શાહ

 લેખક શ્રી ગુણવંત શાહ ના '' અસ્તિત્વનો ઉત્સવ'' પુસ્તક માં થી એક પ્રસંગ


ઉસત્સ્ય ઋષિ પોતાના આશ્રમ માં પ્રાત:કાળે યજ્ઞ કરી રહ્યા હતા. વેદમંત્રો બોલતા હતા. એવામાં એક ભયભીત હરણ વ્યાઘ  થી બચવા ઋષિની પર્ણકુટીર માં સંતાઈ ગયું. થોડી વારે હરણ ને ખોળતો વાઘ   ત્યાં આવી ચડ્યો. ઋષીને વાઘે હરણ અંગે પૂછ્યું. ઋષીએ જવાબ આપ્યો :'' હે વ્યાઘ, હું તને શું કહું ? જે આંખોએ જોયું છે એને વાચા નથી અને જે જીહવા બોલી શકે છે એને દ્રષ્ટિ નથી '' ઋષિનો આ જવાબ સાંભળી વ્યાઘ ત્યાંથી ચાલ્યો ગયો. હરણ બચી ગયું.
 આને કહેવાય વ્યવહારમાં શાસ્ત્રના નિયમોનો સમજપૂર્વકનો વિનિયોગ...! સત્ય અને અસત્યની એક નવી વ્યવહારુ સમજુતી કૃષ્ણ ના જીવનદર્શનમાં જોવા મળે છે. સત્ય સાપેક્ષ છે.
એક પ્રસંગે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે :
      '' હંમેશા યથાર્થ વચન જ સત્ય
       અને અયથાર્થ વચન અસત્ય હોય
       તેમ નથી બનતું ;
       જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત સધાય
       તે વચન જ સત્ય કહેવાય '' 




     નીતા શાહ 











Sunday, August 21, 2016

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક'



વારે તહેવારે હું વહેલી સવારે નિત્ય ક્રમથી પરવારીને હું સૂર્યનારાયણ ને જળ ચઢાવીને ઉંબરાપૂજન કરતી. ત્યારે મારી સાત વર્ષની દીકરી ભૂમિ આગળ-પાછળ ફરતી. એક દિવસ હું ઉંબરાપુજન કરતી'તી બંને બાજુ કુમકુમ ના સાથીયા અને વચ્ચે લક્ષ્મીજીના પગલા બનાવતી. અચાનક ભૂમિ બોલી,'' મમ્મા આપણે સ્વસ્તિક ની જગ્યાએ સ્માઇલી ડ્રો કરીએ તો ? મને તો સ્માઇલી બહુ જ ગમે .'' નાની અમથી બાળકીના મગજ માં કેટલો સુંદર વિચાર...! ત્યારે મેં નક્કી કર્યું કે વાતો વાતો માં મારે મારી દીકરી ભૂમિ ને આપણી સંસ્કૃતિના પ્રતીકો વિષે સાચી સમજણ આપીશ જ ! કારણ મગજ માં ખોટી વાત ઠસી જાય પછી એ કાઢીને સાચી વાત ઠસાવવી અઘરી હોય છે. જે રીતે મારા મમ્મી પણ વાર્તા કહેતા કહેતા આવી અમુલ્ય વાતોને પણ ગુંથી લેતા અને મને આજે પણ યાદ છે.

'' સ્વસ્તી ન: ઇન્દ્રો વૃધ્ધશ્રવા:

  સ્વસ્તી ન: પૂષા વિશ્વ-વેદા:''

કોઈ પણ મંગલ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો આ સ્વસ્તી મંત્ર બોલે છે. જેમ ઈલેક્શન વખતે નિશાન જોઇને આપણે વોટ આપીએ છીએ તેવી જ રીતે દરેક વ્યક્તિ સ્વસ્તિક ના નિશાન દ્વારા પોતાના શુભકાર્યનું માંગલ્ય ઈચ્છે છે. સુ+અસ =કલ્યાણ ની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ ! એક ઉભી રેખા અને તેના પર બીજી આડી રેખા તેના જેટલી જ લાંબી એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. જે વિશ્વની ઉત્પત્તિનું કારણ છે અને જ્યોતીરલીંગ નું સુચન કરે છે.આડી રેખા એ વિશ્વ નો વિસ્તાર બતાવે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુ ના ચાર હાથ જે ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિકનું મધ્યબિંદુ એ દેશ અને કાળનું મીલનબિંદુ છે. આમ સ્વસ્તિક ના પ્રતિક માં જ માંગલ્ય ભાવના રહેલી છે.

* પરણનાર નવદંપતીનું આજીવન સખ્ય રહે તે માટે પોતાની દ્રષ્ટિ સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ.

* નવજાત શિશુને છઠ્ઠીના દિવસે સ્વસ્તિક કાઢેલા વસ્ત્ર પર સુવાડવામાં આવે છે. તેનો હેતુ જીવનમાં એ     બાળકને સ્વસ્તી-પ્રેમ પ્રાપ્ત થાય છે.

* વિખુટા પડેલા સ્વજનો માં ફરી મિલન સંયોગ થાય તેના માટે સ્વસ્તિકની પૂજા કરવાની પ્રથા છે.

* દિવાળીના દિવસે ચોપડાપૂજન કરી તેમાં કુમકુમના સાથીયા કાઢવાની પાછળ પણ આવનારું નવું વર્ષ સૌભાગ્ય સમ્પન્ન, સમૃદ્ધ અને માંગલિક બને તે ભાવ રહેલો છે.

* ચાતુર માસમાં મંદિરમાં ભગવાન ની પાસે સાથીયા અને અષ્ટદળની રંગોળી કાઢનાર સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી.

* ઉંબરાપુજનમાં પણ બહેનો સાથીયા કરે છે તેની પાચલ પણ આ જ ભાવ છે. '' પ્રભુ મારા ઘરમાં જે પણ વૈભવ છે તેને પવિત્ર રહેવા દો. અનર્થ થી મેળવેલો વૈભવ જીવનમાં પણ અનર્થ સર્જે છે. બહારથી હસતું પણ અંદરથી રડતું જીવન મને માન્ય નથી.''

સ્વસ્તિક એટલે કલ્યાણ નું કાવ્ય. સર્વ દિશાઓની સૌરભ, પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સુચન ! આમ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિની અતિ પ્રાચીન ધરોહર છે. એનું મુલ્ય સમજવું અને સાચવવું આપણી ફરજ છે.

ઘણી વાર આવનાર નવી પેઢી આપણને પૂછે તો આપણી પાસે સાચા જવાબ નથી હોતા. ગોળ ગોળ વાત કરીએ છીએ અથવા તો વાત ને ટાળીએ છીએ. જેમ કે મારી મમ્મી કરતી તી એટલે હું કરું છું અને એટલે તું પણ કરીશ. આવી વાતો આ નવી જનરેશન સ્વીકારશે ? અપનાવશે ? શું લાગે છે આપને ?



નીતા શાહ

'' મારા પછી...મારી વાત ''





'' મારા પછી...મારી વાત ''

વૈભવશાળી બોર્ડમીટીંગ જેવો માહોલ હતો. રાઉન્ડટેબલની જગ્યાએ એન્ટીક,સિંગલ,ગોલ્ડ અને સિલ્વર થી મઢેલા અલગ અલગ સોફા હતા. વૈભવશાળી પોશાકમાં ઘણા બધા લોકો હતા.એ કોણ છે એની મને જાણ ન હતી. ન તો ત્યાં કોઈ મિનરલ વોટર બોટલ, પેન, રાઈટીંગ પેડ,કોમ્પ્યુટર કે પછી પ્રોજેક્ટર સ્ક્રીન હતું ! આગળ-પાછળ મેઈડ સર્વન્ટની ફોજ સુસજ્જ હતી. હા, દરેક ના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું. ત્યાં જ એક રાણી જેવા પોશાકમાં જાજરમાન સ્ત્રીએ મને સ્માઈલ આપ્યું અને બોલ્યા, '' વત્સ, જરા અચરજભર્યું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશો. પૃથ્વી લોકમાંથી અહી સ્વર્ગલોકમાં આપના આત્માનું સ્થળાંતર થયું છે. મારી ઓળખાણ આપું. મેં જ પૃથ્વીલોક માં તમારા જીવન ના લેખ લખ્યા હતા. જીવન-મરણ અને લગ્ન ! અને આ પળે તમારું સ્થળાંતર પણ નિશ્ચિત હતું જ ! દેવી, પૃથ્વીલોકમાં તમે કેવું જીવ્યા અને તમારા સ્વજનો હાલમાં શું કરી રહ્યા છે તે જાણવાની ઈચ્છા ધરાવો છો ?
હું તો સાવ દિગ્મૂઢ હતી. માત્ર ડોકું હલાવીને આંખોથી 'હા' ભણી.
ત્યાં તો વિધાત્રી દેવીએ આંખો બંધ કરીને ખોલી ત્યાં તો હજારો એલ-ઈ-ડી ભેગા કરીને વિશાળસ્ક્રીન બનાવ્યું હોય એવું કૈક મને દેખાયું. અને એક પછી એક દ્રશ્યો ચાલતા હતા. જાણે મારા જ જીવન નું લાઇવ મુવી ...!
અરે, આ તો મારા સુખ-દુઃખના સાથી,એક મિત્ર,એક પ્રેમી અને પ્રેમાળ પતિ ! એક ખૂણામાં બેસીને અનિમેષ નજરે આકાશને તાકી રહ્યા હતા. વાચા અને વિષાદનું રુદન અલોપ હતું. પ્રેમના ઘૂઘવતા દરિયા જેવી એમની આંખો સાવ શુષ્ક હતી. વાચા તો જાણે હણાઈ ગઈ હતી...એક ફરિયાદનો ભાવ હું એમના ચહેરે સ્પષ્ટ વાંચી શકતી હતી. મારાથી વધારે એમને કોણ ઓળખે ?
આ... તો મારો દીકરો છે એ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. થોડા અસ્પષ્ટ શબ્દો સંભાળતા હતા,'' ડોક્ટર અંકલ, મોમની અંતિમ ઈચ્છા 'દેહદાન' ની હતી અને કોઈ કાળે એ આપણે પૂરી કરવાની છે. એનું એફિડેવિટ પણ કરાવેલું છે મોમે, તો પ્લીઝ તમે જલ્દી આવી જાવ અને આગળ શું કરવું એ સમજાવો...! મને તો કઈ જ સુજતુ નથી અને ડેડ ને પણ સા...ચવવાના છે'' મારી દીક....રી ...કેટલું રડી રહી છે અને એની આંખો તો સુજીને ટેટા જેવી થઇ ગઈ છે.એના પતિને રડતા રડતા કહી રહી છે, ''મારું તો બેકબોર્ન જ ખોરવાઈ ગયું, મારી તો આદત જ મમ્મી હતી, કેવી રીતે જીવીશ ? પણ માં હું  તારી જ પ્રતિકૃતિ છું અને તારા જ પગલે ચાલીશ..તને ગમતી તારી દરેક એક્ટીવીટીને આગળ ધપાવીશ. તારા સેવાના કાર્યો, માતૃભાષા માટેનો તારો પ્રેમ અને કાર્ય અને હા તારું એક મિશન ' કે આગળની નવી પેઢીને વાંચતા આવડશે પણ કદાચ લખતા નહિ આવડે '...વગેરે ને હું એક પગલું આગળ લઇ જઈશ. તારા જેટલી પેશન્સ કે સમજ નથી અને તારા જેવું જીવી પણ નહિ શકું પણ પ્રયત્ન તો ચોક્કસ કરીશ.
ઓહ...આ વ્હીલચેર માં તો મારા પંચાશી વર્ષના 'સાસુમા' ! કેટલું આક્રંદ કરે છે જાણે રુંવાડા ઉભા થઇ જાય ! '' આ યમડો તો ભૂલથી મારા બદલે મારી વહુ ને લઇ ગયો છે. મને કોણ ચા પાશે ? કોણ સેવા કરશે ? મારા કડવા વેણ કોણ હાભળશે ? શ્રીજી ....શ્રીજી ...મને ય ઉઠાવી લે મારા વ્હાલા, મારે ત્યાંય મારી વહુ જોડે જ રહેવું છે...'' ચારે બાજુ સગા વહાલા અને સ્વજનો બેઠા છે.
અરે ....જુવો આ હાંફળી ફાંફળી ...મારી વ્હાલી સખીઓ ભેગી મળીને શું કરે છે ? પ્રકાશિત દીવડા સામે કૈક પ્રણ લઇ રહી છે '' અમે તમારી સાહિત્યની સફરને આગળ ધપાવશું, વેલવિશરવુમન ની એક માળા માં બંધાઈને રહીશું અને એકમેકના પડખે રહીશું.''
હું તો ધ્રુસકે ધ્રુસકે રડી રહી છું પણ મારા આંસુ ક્યાં ? આતમ ચકરાવે ચડ્યો છે...વારંવાર એક વિચાર ટકોરા મારે છે...!
'' જીવન તો સુંદર છે જ ! પણ મૃત્યુ તો એનાથી પણ સુંદર અને અલૌકિક છે ! મારા પછી મારી વાત સદ્રશ્ય જોઇને લાગ્યું કે પૃથ્વીલોકમાં હું મારી જાતને સાવ 'એકલી' માનતી હતી, મારું કોઈ જ નથી. પણ હું કેટલી ખોટી હતી ! હવે હું કોઈ પણ યોની માં હોઈશ પણ નકારાત્મક તો નહિ જ વિચારું.
વિધાતા મા મને એવી શક્તિની પાંખ અને સત્યની આંખ જરૂર આપશે !!!

નીતા શાહ


Thursday, August 4, 2016

જીંદગીના ચતુષ્કોણમાં...!


જીંદગીના ચતુષ્કોણમાં
મારો કાટખૂણો?
અરે,છેદાતો જાય મપાતો જાય
મારો કાટખૂણો
એક ખૂણે જન્મદાતા
પુરેપુરા નેવું અંશે
બીજો ખૂણો જીવનસાથી
સમયાંતરે કપાતો
ત્રીજો ખૂણો આત્મજ
જનરેશન ગેપથી છેદાતો
ચોથો ખૂણો એટલે હું
ઔપચારિકતા ઓઢી
મરું પળે પળે...!

નીતા શાહ

ઔપચારિકતા માણસખાઉં એનાકોન્ડા...!



ઔપચારિકતા  માણસખાઉં  એનાકોન્ડા

આજે આપણે જો સમાજ-દર્શન કરીશું તો આડકતરી રીતે લાગશે કે  કઈક ખૂટી રહ્યું છે અને સાથે કઈક વધી પણ રહ્યું છે. દિવસે દિવસે જરૂરિયાતોના લેબલ્સ વધતા રહ્યા છે. આ લેબલ્સને પોતાની આઇડેન્ટિટી માં લગાડીને સ્ટેટસ ને લાંબુ પહોળું કરી રહ્યા છીએ.પણ મને લાગે છે ત્યાં સુધી અહી સ્ટેટસ નહિ પણ સ્ટ્રેસને આમંત્રણ આપી રહ્યા છે. સ્ટેટ્સની લંબાઈ કે પહોળાઈ વધતી ઓછી ન થાય તેના માટે જાણે લોકો એ  ઔપચારિકતા ને ઓઢી લીધી છે...નવાઈની વાત તો એ છે કે લોકો ઔપચારિકતા ને ઓળખે પણ છે. દેખાદેખી,અનુકરણ, ખોટો આડંબર શા માટે ? હોઈએ એવા દેખાડવામાં ક્યાં વાંધો આવે છે ?

આપણે ત્યાં કોઈ  સાજુ માંદુ હોય તો ખબર કાઢવાનો કુરિવાજ છે. એક ભાઈ ને એક્સિડન્ટ થયો.મલ્ટીપલ ફેકચર હતા.હોસ્પિટલ માંથી સારવાર લઈને ઘરે આવ્યા. બીજા દિવસથી ખબર જોવા આવનારનો રાફડો ફાટે. રોજના પાંચ સાત જણ તો હોય જ ! આ સિલસિલો મહિના સુધી ચાલે. હવે ઘરમાં પત્ની પતિની સેવા કરે,ઘર સંભાળે, બાળકો સંભાળે કે પછી મહેમાનોની આવભગત કરે ! છતાં પેલા બહેન ફોર્માલીટી માટે કચવાતા મને, પ્લાસ્ટિક સ્માઈલ સાથે મહેમાનોને ચાય નાસ્તો કરાવતા જાય. છે ને વરવી વાસ્તવિકતા !

આ મહિના માં જ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે. લગ્ન પહેલા દરેક ભાઈ-બેન ટીખળ,મસ્તી, પ્રેમ સાથે સેલીબ્રેશન કરે. પણ જ્યાં લગ્ન થાય એટલે સમીકરણો થોડા થોડા બદલાવા માંડે. બહેન પરણીને સાસરે જાય એટલે એની નણંદો પણ રક્ષાબંધન કરવા આવે. એ લોકોની આગતા સ્વાગતા કરવાની અને મીશતાન ફરસાણ સાથે જમાડવાના અને મોટા પ્લાસ્ટિક સ્માઈલ સાથે કારણ એને તો પોતાના વ્હાલસોયા ભાઈ નું અડવું કાંડું જ દેખાતું હોય ને !

હવે તો ફોન થી જાણ કરીને જ કોઈના ઘરે જઈ શકાય.એમાં બે વાત થઇ શકે. બંનેની અનુકુળતા સચવાય અને બહુ જ સાચવવા પડે એવા મહેમાન આવવાના હોય તો બે-ત્રણ દિવસ તૈયારીમાં આપી શકાય. ત્યારે પણ ખુબ જ પ્રેમથી આવકારીએ પણ હૃદયના સાતમાં પડદે એક ડંખ રહે કે ક્યાંક કચાશ તો નથી રહી ગઈ ને ? એમાય જો સાસરી પક્ષનું કોઈ આવે તો ગૃહિણી ના પેટ માં તેલ રેડાય ! ગમે એટલું સારું કરીશ પણ પણ પાણીમાંથી પોરા  તો કાઢશે જ !

અંગત જીવન ની વાત કરું તો એક સંસ્કારી વહુ દરેક ને પ્રિય હોય...પણ ક્યારેય એ સંસ્કારી પત્નીના ભીતરમાં ડોકિયું કરીશું તો સમજાશે કે કેટકેટલા સમાધાન તેને પોતાની જાત માટે કર્યા છે. જીવન પર્યંત ચાલશે-ફાવશે અને દોડશે જેવા જીવન મંત્રો નિભાવવા એ સહેલી વાત તો નથી જ !

''  ભીતરનો જ્વાળામુખી
    થર ઉપર થર
    ડુસકા ક્યાંથી સંભળાય ?''

જાણે આપણે ફક્ત ઔપચારિકતા ને ઓઢીને હોઠો ઉપર મસ્ત મજાનું સ્મિત શણગારીને અંદરથી ઉઠતી દરેક નાની મોટી ઈચ્છાઓનું ગળું ટુપી દઈએ છીએ. છેવટે આવી નાની મોટી ગુંગળામણનો ઘડો ફૂટે છે અને નાના મોટા રોગોને આમંત્રણ આપે છે. હાઈ/લો બ્લડપ્રેશર, ડીપ્રેશન, ડાયાબિટીસ, એપીલેપ્સી, સ્ટ્રોક, હાર્ટએટેક ...વગેરેના મૂળ માં ઔપચારિકતા નો એનાકોન્ડા એ ભરડો લીધો હોય છે.જીવન વેરવિખેર થઇ જાય છે.જો આ પરીસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો ???
જેવા છીએ એવા જ રહીએ, આપણી પાસે જે છે એટલું જ દેખાડીએ. આપણે જે રીતે ખાતા-પિતા હોઈએ તેવું જ મહેમાનો ને હૃદયમાં ભાર રાખ્યા વિના દિલથી પીરસીશું તો બંને પક્ષે સ્નેહ નો ગુણાકાર થશે. યજમાન થતા પણ શીખવું પડશે. ખોટા દંભ છોડીશું તો જ મુક્તપણે હસી શકીશું. જીવન માં અન્યાય નો સામનો કરતા પણ શીખવું પડશે. ટોણા ના રૂપ માં નહિ પણ આમને સામને બેસીને સારી ભાષા માં આપણા વિચારો રજુ કરવા જોઈએ અને વિચાર વિનિમય કરવાથી ચોક્કસ રસ્તો  નીકળશે જ. જીવન માં એક સબંધ સખી/મિત્ર નો એવો હોવો જોઈએ કે જ્યાં મનફાવે ત્યારે જઈ શકીએ, મન ફાવે તેમ વર્તી શકીએ, એના ખભે માથું ઢાળીને અંતરના ભારને હળવો કરી શકાય. જો આ રીતે અંતરંગ સખી કે મિત્ર આગળ દિલ નહિ ખોલીએ તો ડોક્ટરને હૃદય ખોલવાનો વારો આવશે.

ઈર્ષા કરવી હોય તો એવા લોકો ની કરો કે જેઓ આખા દિવસ ની મજુરી કરીને રોડ સાઈડે બાંધેલી નાનકડી ઝુપડી માં વસતા હોય ને ઘરના દરેક સભ્ય હસતા રમતા બાજરી નો રોટલો, ડુંગળી અને છાશ નિરાતે જમતા હોય અને એક સંતોષ એમના ચહેરે છલકાતો હોય અને ખડખડાટ હસતા હોય, જ્યાં નથી કોઈ ઔપચારિકતા કે નથી કોઈ આડંબર ! બસ નરી વાસ્તવિકતા !


નીતા શાહ


  

























Thursday, July 28, 2016

પ્રતીક્ષા


 પ્રતીક્ષા

ન કર પ્રતીક્ષા ખોટી
ઓ હૃદય
હશે તારા તો દોડતા આવશે
નહિ તો ઝાંઝવા ખળખળ ભાસશે
રોકી દે અશ્રુબુંદને તું
વેરી નાખ વેદનાના વાદળને તું
સંતાડી દે સાતમાં પડમાં તું
ઓ હૃદય
રીમોટ રાખ તારી પાસે
ગમતી ચેનલ છોડીને
અણગમતીને ગમતી કર
જિંદગીને રમતી કર
કસોટીમાં પાર ઉતર
વધુ કઈ નહિ તો
ઈચ્છાઓને તો છોડ
પ્રેમ શું છે ?
નફરત શું છે ?
નફરત ને પ્રેમ માં
વાળતા શીખ

નીતા શાહ

સ્ત્રીજીવનમાં બેન્કનું મહત્વ...WWW.CLUB




સ્ત્રીજીવનમાં બેન્કનું મહત્વ

સ્ત્રી એટલે
રસોડાની રાણી,
પરણીને આણી,
પીરસોને થાળી ....!
આવા લોકગીતોમાં સ્ત્રીજીવન ને વણી લેતા. આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાની વાત કરીએ તો શું
સ્ત્રી બચત નહોતી કરતી ? કેવી રીતે ? ક્યાં ? તો હા, સ્ત્રીઓ પહેલા પણ બચત કરતી જ હતી. એના કપડા ના કબાટમાં કપડાની થપ્પી નીચે, સાડીની ગડીમાં, અનાજના પીપડામાં, ચોર ખાના માં...એ જમાના માં સ્ત્રીઓ માટે આ જ બેંક હતી. ઈમરજન્સીમાં ઘરમાં આ જ બચત કામ લાગતી. પણ આજે ? આજે સમય બદલાયો છે.પરિવર્તન એ કુદરતનો નિયમ છે. ડગલે ને પગલે આવનારા પરિવર્તન ને સ્વીકારીને જીવનારી વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે.આજે બેંક આપના રોજીંદા જીવન સાથે વણાઈ ગઈ છે. અમુક ઘરોમાં આજે પણ નાણાકીય વ્યવહાર પુરુષો જ સંભાળે છે.સ્ત્રી શિક્ષિત હોવા છતાં ફાયનાન્સીયલ મેટર થી અજાણ હોય છે. શું લાગે છે આ પ્રણાલી ખોટી છે ?
હા, આજે સ્ત્રી ચાર દીવાલોમાંથી બહાર નીકળી છે. પોતે પોતાનું કેરિયર અને ઘર બંને ટાઇમપ્લાનિંગ કરીને સંભાળી રહી છે. હવે ફાયનાન્સ ફક્ત પતિ જ સંભાળતા હોય તો બની શકે એ કદાચ વ્યવહાર કુશળ ન પણ હોય ! ઓચિંતાનું પતિનું મૃત્યુ અથવા તો હેન્ડીકેપ થઇ જાય તો ? ઓફીસના કામે મહિનાઓ સુધી શહેરની બહાર રહે છે...વગેરે. આવા સંજોગોમાં સ્ત્રી કેટલું માટે અઘરું બની જાય અને છેતરપીંડીના કિસ્સા પણ બને.
આજના જમાનામાં પતિ-પત્નીને પોતાના ફાયનાન્સની જાણકારી હોવી જોઈએ. બંને ની સંમતિથી રોકાણ અલગ અલગ જગાએ કરવું જોઈએ. બેંક ના દરેક કામ નું નોલેજ હોવું જોઈએ. કારણ જો આટલી મહેનત કરીને સ્ત્રીઓ રૂપિયા કમાઈ શકતી હોય તો એનું પ્લાનિંગ પણ કરવું જ જોઈએ. આજે બેંકમાં કેટકેટલી સુવિધાઓ છે ? સવિંગખાતું, કરંટ ખાતું, ફિક્સ ડીપોઝીટ, બેંક લોકર્સ, ઇન્સ્યુરન્સ,મ્યુચલ ફંડ,લોન.ક્રેડીટ કાર્ડ,ડેબીટ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ડીમાંડ ડ્રાફ્ટ, ઓનલાઈન બેન્કિંગ...અને હજુ ઘણું બધું. આજે શહેરમાં ૭૦% સ્ત્રીઓ બેન્કિંગ માં પાવધરી બની છે. છતાં નાની નાની ભૂલો ક્યારેક થતી હોય છે. એટલે જ બેન્કિંગ ની લેટેસ્ટ અપડેટીંગ ની જાણકારી જરૂરી છે. જેમ કે ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું ? પાસવર્ડ ક્યારે અને કેવી રીતે બદલાવો, આજનો વ્યાજદર શું છે ? ચેક બોઉંન્સ થાય તો શું કરવું ? બેંક ની સાઈન અલગ તો નથી ને ? બેંક સ્ટેટમેન્ટ ચેક કરવું/ EMI નું ધ્યાન રાખવું ....!
કામ કામ ને શીખવાડે છે. એક વાર બેંકનું કામ જાતે કરવાની ટેવ પાડીશું તો ઘણી બધી મુશ્કેલીઓ ટાળી શકીશું. આજની મોઘવારીમાં ફાયનાન્સીયલ પ્લાનીંગ કરવું ખુબ જરૂરી છે. જેટલા દરે મોઘવારી વધે છે તેટલા દરે આવક ન પણ વધે, ત્યારે શું કરવું ? આ સમજ સ્ત્રીઓમાં હશે તો જ 'buy one get one free' જેવા સેલ ના બોર્ડથી લલચાશે નહિ. આજે બાળકોનું ભણતર, તેમના લગ્ન અને પોતાનું રીટાયરમેન્ટ નું પ્લાનિંગ ખુબ જ જરૂરી છે. આવા આયોજન કરવાથી જીવનમાં આવતી આકસ્મિક મુશ્કેલીઓ ટાળી શકાય છે. જો સ્ત્રીઓ આખેઆખી બેંક ચલાવી શકતી હોય તો આપણે આપણા ઘર પુરતું તો બેંક નું કામ કરી જ શકીએ.
તો છેલ્લે સુજ-બુજ થી બેંક નું કામ જાતે કરતી બહેનોને સેલ્યુટ કરું છું. પણ જે નથી કરી શક્યા તે લોકો એ ''જાગ્યા ત્યાંથી સવાર'' સમજીને બેંક ની અને ફાયનાન્સની જવાબદારી નિભાવો... નહિ તો ક્યાંક વધારે મોડું ન થઇ જાય !

નીતા શાહ

Tuesday, July 12, 2016

મારા વિચારો મારો ખજાનો



આપણા શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે
જાણતાં નથી. કોઈ એ આજ સુધી 'મન' ને જોયું નથી.પરંતુ
આ 'મન' આપણા વ્યવહારો અને જીવન નું સ્ટીયરીંગ વ્હીલ
છે, એ સ્વીકારવું રહ્યું.

નીતા શાહ


ગુસ્સો કેટલો જલ્દી આવે છે એના ઉપરથી માણસનું વ્યક્તિત્વ
નક્કી નથી થતું. પણ એને આવેલો ગુસ્સો કેટલો જલ્દી ઉતરી
જાય છે એના પર એના સબંધનો આધાર રહે છે. માનવ હોવાની
પહેલી નિશાની એટલે માનવસહજ નબળાઈ સાથે જીવવાની
તૈયારી. ક્રોધ,લાલસા,અહંકાર,ઈર્ષા,ઝંખના વગેરે હોઈ શકે અને
એમાં કઈ ખોટું ય નથી.


પ્રમાણીકતાની કોઈ કીમત હોતી નથી. એ અમુલ્ય છે.સચ્ચાઈ
અર્ધપારદર્શક ન હોઈ શકે .

સખા, ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
તારા શ્વાસ ની ખરલ માં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ ?

પરદેશમાં જયારે કાયદા દ્વારા પુત્રીઓ [વહુઓ] મેળવાય છે.[ Daughter in law કાયદા દ્વારા પ્રાપ્ત
થયેલ પુત્રી ] ત્યારે ભારતમાં તો પ્રેમ દ્વારા પુત્રીઓ [ Daughter in love] મેળવાય છે. મતલબ કે
પારકી પુત્રીને પોતાની બનાવવા માટે પુત્રી સમ પ્રેમ દાખવી કુળવધુ બનાવાય છે.

નીતા શાહ

વિશ્વાસ એ પ્રેમનું પ્રથમ પગથીયું  છે .


નીતા શાહ

 સંતોષ ની ગેરહાજરીમાં જ સંતાપનું તાંડવ ચાલતું હોય છે.

નીતા શાહ

બહારનો કુદરતી પ્રકાશ જોવા માટે આંખ આગળ ના દીપકને
જરા ઝાંખો કરો.

નીતા શાહ


આફતને પણ જયાફત બનાવવા માટે  હિંમતની જરૂર હોય છે.


નીતા શાહ


જેનો અંત નથી,એવી શુભકામનાઓ ''માં'' જ વરસાવી શકે..!

નીતા શાહ

જ્ઞાનથી ભરેલા પુસ્તકોના ભારથી લદાયેલો ગધેડો
આખરે તો ગધેડો જ હોય છે !
સુફી ઉક્તિ

સારો ઉપદેશ તમે તમારા હોઠની જગાએ પોતાના
જીવનથી આપી શકો છો.

ઓલીવર ગોલ્ડ સ્મિથ

છીછરા જળ જેવી વ્યક્તિ કઈ જ પચાવી ન શકે,
ગંભીર સાગર જેવી વ્યક્તિ બધું જ પચાવી શકે...!


નીતા શાહ

અમેરિકાના બે મોટા વૈજ્ઞાનિક ત્યારે બેભાન થઇ ગયા,
જયારે તેમને ખબર પડી કે ચપ્પલ ઊંધાં હોવાથી
ઘરમાં ઝગડો થઇ જાય છે.😄


એ સ્મિતથી સુંદર કાઇ જ નથી જે અશ્રુઓ સાથે સંઘર્ષ
કર્યા પછી આવે છે !

નીતા શાહ

પંખીઓના અવાજમાં જબરો ઉલ્લાસ અને વાતાવરણ ને
ભરી દેતી પ્રસન્નતા ચોતરફ વર્તાય છે. એવું પણ થાય છે કે
રા.રા. રવિશંકરના આર્ટ ઓફ લીવીંગ ના ક્લાસ ભર્યા વગર
આ લોકો આટલા બધા ખુશહાલ કેવી રીતે રહી શકતા હશે ?

નીતા શાહ

ઢેલડીને ખબર છે કે તેનો મોરલો સાત આઠ ઢેલડીઓની વચ્ચે જ રાસ લેતો હોય છે.
પણ કોઈ ઢેલ આ મુદ્દે ઓછુ લાવી આત્મહત્યા નથી કરતી.

નીતા શાહ

કોયલનો ટહુકો એ  તેને માગ્યા વગર મળેલ કોપીરાઇટ છે. કોયલના ટહુકાનો કે
મોરના ગહેકાટનો અન્ય ભાષામાં અનુવાદ થઇ શકતો નથી. હા, તેમના અવાજની
મિમિક્રી ફક્ત થઇ શકે છે.

નીતા શાહ

જો તમે એ વ્યક્તિને શોધી રહ્યા છો કે જે તમારી જીંદગી ને બદલશે તો
અરીસો જોઈ લો !

નીતા શાહ

નજરો આજે શોધી રહી છે....એ મહાન વિચારકને જેણે વર્ષો પહેલા કહ્યું હતું
કે ઈન્ટરનેટનું સંશોધન લોકોનો સમય બચાવશે...!

નીતા શાહ

દરેક માણસને તારો કાન આપ પણ વાણી બહુ ઓછા લોકોને આપ...!

શેક્સપીઅર

કાગડાની સભામાં કોયલ ચુપ રહે છે

જોનાથન સ્વીફ્ટ

જે માણસની કોથળીમાં નાણા, સોનું,ચાંદી ન હોય તેવા માણસે તેની
જીભમાં સોનું અને ચાંદી જેવા ગુણ રાખીને મૌન ને કિમતી બનાવવું જોઈએ.

થોમસ કુલર

સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે પવન દીવાને હોલવી નાખે છે પણ જંગલમાં
દાવાનળ ફેલાવે છે

નીતા શાહ

 આપણા પોતાના માટે જીવવું એટલે તડકાની વચ્ચે તાપણાને વફાદાર
 રહેવું અને વરસાદની વચ્ચે ઝાકળની કુમાશને ટકાવવી ...!

નીતા શાહ

બીજાને 'હા' કહેતી વખતે એ જો જો કે તમારી જાતને 'ના' ન કહેતા હો ...!

નીતા શાહ

પોતાનું મુલ્ય ન સમજે તે 'મામુલી'. તમે મામુલી નથી,
જગન્નીયતાનું મુલ્યવાન સર્જન છો ..!


















મારી ડાયરી નું એક પાનું


'' મારી ડાયરી નું એક પાનું ''

હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી
મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી  અઢળક વાતો , ફરીયાદોની
શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ,
સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની
હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની
બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં
ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે !

આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.


                                                                                                               તા - ૧૧/૫/૮૫

આજે હું ખુબ જ વ્યથિત છું, કારણ હું મારા પ્રેમલગ્ન માટે ધિક્કારની લાગણી અનુભવું છું. મેં મારા
પેરેન્ટ્સની વાત ન માની ને હાથે કરીને પગ ઉપર કુહાડી મારી છે. વિવેકને હું ખુબ પ્રેમ કરતી હતી.
કોલેજ કાળથી અમે બંને ગળાડૂબ પ્રેમમાં હતા. બે વર્ષ વીતી ગયા હતા અને હિંમત કરીને મેં મોટાભાઈને [ફાધરને અમે મોટાભાઈ કહેતા ] ને કહ્યું. અને આનાકાની અને સમજાવટ ને અંતે બંને પક્ષે ધામધુમથી
લગ્ન પણ થયા. બંને એકબીજા ને અનહદ પ્રેમ કરતા હતા આજે લગ્ન ને ત્રણ વર્ષ થયા એક વર્ષ ની
દીકરી પણ છે. પણ વિવેક નું વર્તન મારા માટે સાવ બદલાઈ ગયું છે. જાણે લાગતું કે તે મારા થી દુર ભાગે
છે. ખુબ જ મન ભરાઈ આવ્યું હતું અને પ્રેમલગ્ન હોવાથી કયા મોઢે  પેરેન્ટ્સને વાત કરાવી એ સમજાતું ન હોતું...પણ હું મારા ફાધરની લાડકી હતી અને ખુબ જ નજીક હતી.
 થોડી હિંમત ભેગી કરીને મોટાભાઈ ને મળવા પિયર ગઈ. હોશે હોશે બધાને મળી વાતો કરી સાથે જમ્યા પણ
મોટાભાઈ મારા મન ને કળી ગયા હતા. હિંડોળા ખાટે હું અને મોટાભાઈ હીંચી રહ્યા હતા અને અચાનક મોટાભાઈ એ મને પૂછ્યું કે આજે મારી ઢીંગલી અંદરથી થોડી ઉદાસ છે, શું વાત છે ? મને નહિ કહે ?
અને મારો તો હૈયા બંધ ખુલી ગયો અને ધ્રુસકે ધ્રુસકે બધી વાત કહી. મોટાભાઈ એ મને શાંત પડી પાણી
પીવડાવ્યું અને નાનકડી વાત કરી.
બેટા, તારી નાનકડી દીકરી ટ્વિન્કલ એક વર્ષની છે અને એ બાર્બી ડોલ ની જીદ કરે છે અને એને બાર્બી ડોલ
નહિ એનો પૂરો સેટ જોઈએ છે. આપણને ખબર છે કે બાર્બી માટે હજુ ટ્વિન્કલ નાની છે અને થોડી મોટી થાય  એટલે અપાવીશ એવું કહીશું. હવે જ્યાં સુધી એને બાર્બી અપાવીશું નહિ ત્યાં સુધી એ રોજ એની કાલી  કાલી
ભાષામાં એની જ વાતો કરશે કે બાર્બીનું આવું ફ્રોક હોય,આવા વાળ હોય, આવો કોમ્બ હોય,શુઝ આવા હોય !
એના નાનકડા મગજમાં ફક્ત બાર્બી રમતી હોય અને એનું કુતુહલ. જ્યાં એને બાર્બી અપાવીએ એટલે ખુશી
એના ચહેરે ચળકતી હોય અને રોજ બાર્બી સાથે આમ કરે ને તેમ કરે. થોડા દિવસ માં જ એનું કુતુહલ શાંત થઇ જાય એટલે એ સ્કુલ માં ધ્યાન આપે, હોમવર્ક કરે અને બાર્બી માંથી થોડું ધ્યાન હટી જાય....એટલે આપણે શું સમજવાનું કે હવે એને બાર્બી પહેલા જેટલી વ્હાલી નથી ? ના એવું નથી. આજે પણ એને બાર્બી એટલી જ વ્હાલી છે એની સાથે રમે છે પણ આખો દિવસ નહિ કારણ એને ખબર છે કે હવે મારી બાર્બી મારી પાસે જ છે.
એનો એને સંતોષ છે એટલે બાકીના કરવા જેવા કામ ઉપર પણ ધ્યાન આપે છે ....ખરુંને મારી ઢીંગલી ???
જીવન પ્રત્યેની દ્રષ્ટિ એટલે જ 'સંસ્કાર' ! પણ બેટા, એક વાત યાદ રાખજે કે સંસ્કાર એ Static
concept  નથી પણ  Growing concept છે. એટલે કે સમય, કાળ, પરિસ્થિતિ અને સમાજમાં થતા ફેરફારો
પ્રમાણે સંસ્કારો બદલાય છે. બેટા જેમ જેમ સમય જશે તેમ તેમ તને આ ચિત્ર ક્લીઅર દેખાશે. પણ બેટા ધીરજ અને સંયમ થી કામ લેવાનું. સફળ દામ્પત્ય જીવનની અદભુત ચાવી છે ''વિશ્વાસ''!
અને મોટાભાઈની આંખોમાં આંખો પરોવીને મેં સિગ્નલ આપી દીધો કે મને સમજાઈ ગઈ છે જીવન ની વાસ્તવિકતા !





નીતા શાહ



















Friday, July 1, 2016

ભેળવી લઈએ હથેળીઓ આપણી ...!



આપોને તમારી આ હથેળીને
હસ્તરેખા જોવી છે મારે
કેટકેટલું ય હશે તમારા હાથમાં
માન-પાન હશે
ધન-દોલત હશે
કુટુંબ-કબીલો હશે
રાજ-યોગ હશે
મારે ક્યાં કશા કામનું ?
ખાલી તમારો હાથ
ખાલી તમારો હાથ ?
કેટકેટલું ય છે આપણા ખાલી હાથમાં ?
ઉષ્મા ને ઊમંગ છે
હુંફ ને લગન છે
પ્રેમની પ્યાસ છે
વ્હાલનું વરદાન છે
ચાલો હવે એનાથી
ભેળવીએ હૃદયના એકમેકના ભાવને
સારું હોય કે નઠારું
આપણા હાથ કેળવીએ
અજાણ્યા છો ?
કહું છું હાથ લંબાવી
ભેળવી લઈએ હથેળીઓ આપણી ...!


નીતા શાહ



દિલ નીચોવીને રંગ પૂરી દઉં
નાનકડું કોઈ ખ્વાબ તો આપી દો

ફૂલ ખીલ્યા છે જખમના ઘણાં
ગગન સમી ફૂલછાબ તો આપી દો

મારા જીવનનો હાલ જોવો છે ?
 તમારી જીવનકિતાબ તો આપી દો

ઠેસ પહોચાડવી છે રૂદિયાને
 અરે,તાજું ગુલાબ તો આપી દો

મારે સ્હેલી રીતે નથી મરવું
'હા' નો જૂઠો જવાબ તો આપી દો

આ તુટતો તારો નભેથી જોઇને
 જીવનના અંતિમ શ્વાસ તો આપી દો

નીતા શાહ









Friday, June 17, 2016




કોયડા જેવું જીવન ઉકેલતા ગુંચ વધતી જાય
ધૈર્ય,સંયમ ને વ્હાલ ની સોયથી ઉકેલાતી જાય

નીતા શાહ


ઈચ્છાઓને  છબછબાવી  મૃગજળમાં
હવે તરસ ક્યાં લાગે આ સ્મરણોમાં ?

નીતા શાહ

ખુશી અને ઉદાસીના
તો રીસામણા-મનામણા
સતત ચાલે છે
બંને ને ક્યાં બને છે ?
સુરજ ઢળે
પછી જ
ચાંદ દેખાય છે
સુરજનું આગમન
ચાંદ અદ્રશ્ય
તો પછી
બંને એકબીજાના
પર્યાય કેમ ?

નીતા શાહ

Friday, June 3, 2016




ક્યારેક લાગણી
ઉદાસી દ્વારા
હૃદયના નાનકડા છિદ્રમાંથી
અશ્રુ વાટે
દડ દડ વહી જાય
પાણી અને લાગણી
રસ્તો શોધી જ લે છે...!

નીતા શાહ

Thursday, April 28, 2016

માઇક્રોફિકશન વાર્તા '' ધરમ કરતા ધાડ પડી ''





હું અને મારા પતિ કારમાં સીજી રોડ જઈ રહ્યા હતા. ત્યાં સિગ્નલ્સ પર ઘણા ફેરિયાઓ વસ્તુઓ વેચી રહ્યા હતા. ત્યાં જલારામ મંદિરના સિગ્નલ પર એક મેલીઘેલા વસ્ત્ર માં ગરીબ લાગતી સ્ત્રીએ કારનો દરવાજો ખખડાયો અને મેં કારની વિન્ડો નો કાચ ખોલ્યો. પેલી સ્ત્રી કહે, '' સાહેબ મારી 'માં' બીમાર છે અને ગામડે છે અને મારી પાસે ભાડા ના પૈસા નથી. બહેન મને ભાડું આપો તો હું મારી 'માં' નું મોઢું જોઈ શકું.'' મેં પૂછ્યું,'' ક્યાં રહે છે તારી 'માં' ?'' તો એણે જવાબ
આપ્યો, '' બેન વલસાડ પાસે નાનું ગામ છે વિછોલ. ત્યાં રહે છે અને ભાડું ૨૦૦ રૂપિયા થાય છે.'' મેં પર પર્સ માંથી બસો રૂપિયા આપ્યા અને રાજી થઇ ને જતી રહી. બે કલાક પછી સીજી રોડ થી પાછા ફરતા એ જ સિગ્નલ પર રોકાયા તો પહેલા જે બાઈ ને ૨૦૦ રૂપિયા આપ્યા હતા તે આવી ને એવી જ વાર્તા ફરી ચાલુ કરી કે મારી 'માં' મારી ગઈ છે. હું ગાડીમાંથી ઉતરી અને પેલી બાઈનો હાથ પકડીને સામેના રોડ પર આવેલ '' નારી વિકાસ ગૃહ '' નામની સંસ્થામાં લઇ ગઈ. જે મારી સખી ચલાવતી હતી. એને બધી વાત કરી અને કહ્યું કે એને કોઈ કામ શીખવાડ અને પગ ઉપર ઉભી રહે તેવું કૈક કર. એ સંસ્થાના સંચાલિકા નો એક અઠવાડિયા પછી ફોન આવ્યો કે પેલી બાઈ સંસ્થાના કબાટમાંથી રૂપિયા ૧૫૦૦૦/- લઈને ભાગી ગઈ છે.
હું વિચારતી રહી ગઈ. સાચે જ ધરમ કરતા ધાડ પડી. સમજાયું નહિ કે વિશ્વાસ કોનો કરવો ??

નીતા શાહ













માઇક્રોફિક્શન વાર્તા ...સ્કીઝોફેનિયા



સવારે સાડાનવ નો સમય હતો. હું રસોડામાં રસોઈની તૈયારી કરતી  હતી ત્યાં તો ફ્લેટ ના પાર્કિંગ માંથી બુમાબુમ સંભળાઈ. હું બાલ્કનીમાં દોડી ને જોયું તો મારા જ ઘરની સામે રહેતા પાંત્રીસ વર્ષની આસપાસના કામીનીબેન મોટા અવાજે બાજુના ફ્લેટવાળા  રૂપાબેન સાથે ઝગડતા હતા. કામીનીબેન મોટા અવાજે રૂપાબેન ને કહી રહ્યા હતા,'' પાણી અને વરસાદની આવી તંગીમાં ભાન નથી પડતું કે ઝાડ ના કપાવાય. તમારા જેવા ગમારો ભેગા થઈને જ આ પર્યાવરણ નું નિકંદન કાઢ્યું છે.''
 રૂપાબેન પણ ગાંજ્યા જાય એવા નહોતા.  એમણે પણ ચાલુ કર્યું ,'' ઝાડ કપાવું છું તો મારા આંગણાનું કપા વું છું એમાં તારા બાપા નું શું જાય છે ? ગાંડી,  મોઢું બંધ કરીને ઘરમાં જા નહિ તો જોવા જેવી થશે.'' પછી તો ગંદી ભાષા માં શબ્દ પ્રહારો ચાલ્યા બંને પક્ષે.
એકાદ કલાકમાં થોડું શાંત થયું એટલે કામીનીબેન ને મારા ઘરે બોલાવ્યા અને શાંત પાડ્યા.અને સમજાવ્યા કે તમે તમારી રીતે સાવ સાચા છો અને રૂપાબેન એમની રીતે સાચા છે.જુવો બેના, આપણા હાથ-પગના નખ વધે તો શું કરીએ છીએ આપણે ? દર અઠવાડિયે આપણે એને કાપીએ છીએ અને ફાઈલ પણ કરીએ છીએ. જો એવું ના કરીએ તો આપણ ને જ નુકશાન છે. એવી જ રીતે રૂપાબેન પણ ઝાડની વધેલી ડાળખી ઓ કપાવીને ટ્રીમ કરાવતા હતા કારણ આવતા મહીને જુન માં વાવાઝોડા સાથે વરસાદ આવે ને એ ઝાડ આપણા જ ઘર પર પડે તો નુકશાન આપણું જ થાય . કામીનીબેન સમજી ગયા અને દોડીને રૂપાબેન ની માફી માગી આવ્યા. કારણ કામીનીબેન તો હાઈલી એજ્યુકેટેડ હતા અને સ્કુલમાં પ્રિન્સીપાલ હતા. પણ થાય શું? છેલ્લા પાંચ વર્ષથી તેઓ એક માનસિક રોગ સ્કીઝોફેનિયા થી પીડાતા હતા અને આમ જ વારંવાર હુમલા આવતા હતા. વાત ન હોય વાતનો પાયો ન હોય તો પણ ઝગડી પડે ગમે તેની સાથે.
          કામીનીબેન તો ગાંડપણ ના શિકાર હતા. પણ રૂપાબેન ??


[સત્ય ઘટના આધારિત ]

નીતા શાહ

















Tuesday, April 26, 2016

અમદાવાદની ગ્રીષ્મમાં, ૪૨ ડીગ્રી તાપમાન ...!





અમદાવાદની
ગ્રીષ્મમાં
૪૨ ડીગ્રી તાપમાન
બુકાનીધારી દુપટ્ટો
આંખે કાળા ગોગલ્સ
માર્કેટિંગ કોર્પોરેટ સેકટરનું
અહીંથી તહીં
તહીથી અહી
જીવન ના બે છેડા ભેગા કરવા મથતી
વાળમાં અનુભવોની સફેદ લટો લહેરાતી
જાડા બેતાલા ના કાચની અંદર
સંતોષ નું સ્મિત
પણ ...
ક્યારેક એક નિસાસો ડોકિયું કરતો
જો શરૂઆતમાં જ સાચો દાખલો માંડ્યો હોત તો ?
તો ...તો ...શું થાત ?
અરે જવા દોને સાહેબ એ ભૂતકાળને
ઢળતી સંધ્યાએ
યુવાનોને પણ શરમાવે
એવી  ખુમારી ક્યાંથી આવત ?
આ તો છે સાહેબ
વર્તમાનમાં જીવવાની ચાવી ...!





નીતા શાહ





મારા રૂમની બાલ્કની , આરામખુરશીમાં ગમતા પુસ્તક સાથે ...!




 મારા રૂમની બાલ્કનીમાં
 આરામખુરશી પર ગમતા પુસ્તક સાથે
 એકાએક આંખ બંધ થઇ
 બાર વર્ષ પહેલા વાવેલ
 નાનકડો લીમડાનો છોડ
 આજે પાંચમાં માળની બાલ્કનીમાં
 કુણા કુણા મ્હોર સાથે
 સ્પર્શી રહ્યો હતો
 એક મીઠો રોમાંચ
 બાર વર્ષ પહેલા દીકરીને
 પરદેશ મોકલી ઉચ્ચ અભ્યાસાર્થે
 લોકોએ બહુ મહેણાં માર્યા
 પણ....આજે 
 ભણેલી અને સંસ્કારી દીકરીની
 ''માતા'' નું મળેલું  ઉપનામ
 બેતાલાના કાચને
 ભીંજવી રહ્યું હતું
 એક મીઠો રોમાંચ ...!

 નીતા શાહ












મારું અવતરણ પંચતત્વ ...!




મારું અવતરણ
પંચતત્વમાંથી 
શબ્દોની ગુથણીમાં સમાય પૃથ્વી
છલક છલક થાતું સંવેદના નું નીર
કલ્પનાની ઉડાનમાં સ્પર્શે સમીર
સત્ય ભાસે પ્રકાશપુંજની લકીર 
બે પંક્તિઓ વચ્ચે નો શબ્દાવકાશ
આમ પંચતત્વ થી ભરપુર
સંવેદનાઓ
તાંડવ કરવા લાગી
શબ્દોનું નર્તન
કોરા કાગળ પર થીરકતું  ને
ઉપસી આવતું ચિત્ર
કવિતાનું અવતરણ ...!

નીતા શાહ

Monday, April 25, 2016



પાંખડીઓ ગુલાબની
પણ ગુલાબ નહિ
તણખાં લાગણીઓના
પણ લાગણી નહિ
ભ્રમણા પગરવની
પણ પગલાં નહિ
લખાય અક્ષરો
પણ કલમ નહિ