સવારે સાડાનવ નો સમય હતો. હું રસોડામાં રસોઈની તૈયારી કરતી હતી ત્યાં તો ફ્લેટ ના પાર્કિંગ માંથી બુમાબુમ સંભળાઈ. હું બાલ્કનીમાં દોડી ને જોયું તો મારા જ ઘરની સામે રહેતા પાંત્રીસ વર્ષની આસપાસના કામીનીબેન મોટા અવાજે બાજુના ફ્લેટવાળા રૂપાબેન સાથે ઝગડતા હતા. કામીનીબેન મોટા અવાજે રૂપાબેન ને કહી રહ્યા હતા,'' પાણી અને વરસાદની આવી તંગીમાં ભાન નથી પડતું કે ઝાડ ના કપાવાય. તમારા જેવા ગમારો ભેગા થઈને જ આ પર્યાવરણ નું નિકંદન કાઢ્યું છે.''
રૂપાબેન પણ ગાંજ્યા જાય એવા નહોતા. એમણે પણ ચાલુ કર્યું ,'' ઝાડ કપાવું છું તો મારા આંગણાનું કપા વું છું એમાં તારા બાપા નું શું જાય છે ? ગાંડી, મોઢું બંધ કરીને ઘરમાં જા નહિ તો જોવા જેવી થશે.'' પછી તો ગંદી ભાષા માં શબ્દ પ્રહારો ચાલ્યા બંને પક્ષે.
એકાદ કલાકમાં થોડું શાંત થયું એટલે કામીનીબેન ને મારા ઘરે બોલાવ્યા અને શાંત પાડ્યા.અને સમજાવ્યા કે તમે તમારી રીતે સાવ સાચા છો અને રૂપાબેન એમની રીતે સાચા છે.જુવો બેના, આપણા હાથ-પગના નખ વધે તો શું કરીએ છીએ આપણે ? દર અઠવાડિયે આપણે એને કાપીએ છીએ અને ફાઈલ પણ કરીએ છીએ. જો એવું ના કરીએ તો આપણ ને જ નુકશાન છે. એવી જ રીતે રૂપાબેન પણ ઝાડની વધેલી ડાળખી ઓ કપાવીને ટ્રીમ કરાવતા હતા કારણ આવતા મહીને જુન માં વાવાઝોડા સાથે વરસાદ આવે ને એ ઝાડ આપણા જ ઘર પર પડે તો નુકશાન આપણું જ થાય . કામીનીબેન સમજી ગયા અને દોડીને રૂપાબેન ની માફી માગી આવ્યા. કારણ કામીનીબેન તો હાઈલી એજ્યુકેટેડ હતા અને સ્કુલમાં પ્રિન્સીપાલ હતા. પણ થાય શું? છેલ્લા પાંચ વર્ષથી તેઓ એક માનસિક રોગ સ્કીઝોફેનિયા થી પીડાતા હતા અને આમ જ વારંવાર હુમલા આવતા હતા. વાત ન હોય વાતનો પાયો ન હોય તો પણ ઝગડી પડે ગમે તેની સાથે.
કામીનીબેન તો ગાંડપણ ના શિકાર હતા. પણ રૂપાબેન ??
[સત્ય ઘટના આધારિત ]
નીતા શાહ

No comments:
Post a Comment