મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, August 21, 2016

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક

ભારતીય સંસ્કૃતિનું પ્રતિક 'સ્વસ્તિક'



વારે તહેવારે હું વહેલી સવારે નિત્ય ક્રમથી પરવારીને હું સૂર્યનારાયણ ને જળ ચઢાવીને ઉંબરાપૂજન કરતી. ત્યારે મારી સાત વર્ષની દીકરી ભૂમિ આગળ-પાછળ ફરતી. એક દિવસ હું ઉંબરાપુજન કરતી'તી બંને બાજુ કુમકુમ ના સાથીયા અને વચ્ચે લક્ષ્મીજીના પગલા બનાવતી. અચાનક ભૂમિ બોલી,'' મમ્મા આપણે સ્વસ્તિક ની જગ્યાએ સ્માઇલી ડ્રો કરીએ તો ? મને તો સ્માઇલી બહુ જ ગમે .'' નાની અમથી બાળકીના મગજ માં કેટલો સુંદર વિચાર...! ત્યારે મેં નક્કી કર્યું કે વાતો વાતો માં મારે મારી દીકરી ભૂમિ ને આપણી સંસ્કૃતિના પ્રતીકો વિષે સાચી સમજણ આપીશ જ ! કારણ મગજ માં ખોટી વાત ઠસી જાય પછી એ કાઢીને સાચી વાત ઠસાવવી અઘરી હોય છે. જે રીતે મારા મમ્મી પણ વાર્તા કહેતા કહેતા આવી અમુલ્ય વાતોને પણ ગુંથી લેતા અને મને આજે પણ યાદ છે.

'' સ્વસ્તી ન: ઇન્દ્રો વૃધ્ધશ્રવા:

  સ્વસ્તી ન: પૂષા વિશ્વ-વેદા:''

કોઈ પણ મંગલ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો આ સ્વસ્તી મંત્ર બોલે છે. જેમ ઈલેક્શન વખતે નિશાન જોઇને આપણે વોટ આપીએ છીએ તેવી જ રીતે દરેક વ્યક્તિ સ્વસ્તિક ના નિશાન દ્વારા પોતાના શુભકાર્યનું માંગલ્ય ઈચ્છે છે. સુ+અસ =કલ્યાણ ની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ ! એક ઉભી રેખા અને તેના પર બીજી આડી રેખા તેના જેટલી જ લાંબી એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. જે વિશ્વની ઉત્પત્તિનું કારણ છે અને જ્યોતીરલીંગ નું સુચન કરે છે.આડી રેખા એ વિશ્વ નો વિસ્તાર બતાવે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુ ના ચાર હાથ જે ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિકનું મધ્યબિંદુ એ દેશ અને કાળનું મીલનબિંદુ છે. આમ સ્વસ્તિક ના પ્રતિક માં જ માંગલ્ય ભાવના રહેલી છે.

* પરણનાર નવદંપતીનું આજીવન સખ્ય રહે તે માટે પોતાની દ્રષ્ટિ સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ.

* નવજાત શિશુને છઠ્ઠીના દિવસે સ્વસ્તિક કાઢેલા વસ્ત્ર પર સુવાડવામાં આવે છે. તેનો હેતુ જીવનમાં એ     બાળકને સ્વસ્તી-પ્રેમ પ્રાપ્ત થાય છે.

* વિખુટા પડેલા સ્વજનો માં ફરી મિલન સંયોગ થાય તેના માટે સ્વસ્તિકની પૂજા કરવાની પ્રથા છે.

* દિવાળીના દિવસે ચોપડાપૂજન કરી તેમાં કુમકુમના સાથીયા કાઢવાની પાછળ પણ આવનારું નવું વર્ષ સૌભાગ્ય સમ્પન્ન, સમૃદ્ધ અને માંગલિક બને તે ભાવ રહેલો છે.

* ચાતુર માસમાં મંદિરમાં ભગવાન ની પાસે સાથીયા અને અષ્ટદળની રંગોળી કાઢનાર સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી.

* ઉંબરાપુજનમાં પણ બહેનો સાથીયા કરે છે તેની પાચલ પણ આ જ ભાવ છે. '' પ્રભુ મારા ઘરમાં જે પણ વૈભવ છે તેને પવિત્ર રહેવા દો. અનર્થ થી મેળવેલો વૈભવ જીવનમાં પણ અનર્થ સર્જે છે. બહારથી હસતું પણ અંદરથી રડતું જીવન મને માન્ય નથી.''

સ્વસ્તિક એટલે કલ્યાણ નું કાવ્ય. સર્વ દિશાઓની સૌરભ, પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સુચન ! આમ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિની અતિ પ્રાચીન ધરોહર છે. એનું મુલ્ય સમજવું અને સાચવવું આપણી ફરજ છે.

ઘણી વાર આવનાર નવી પેઢી આપણને પૂછે તો આપણી પાસે સાચા જવાબ નથી હોતા. ગોળ ગોળ વાત કરીએ છીએ અથવા તો વાત ને ટાળીએ છીએ. જેમ કે મારી મમ્મી કરતી તી એટલે હું કરું છું અને એટલે તું પણ કરીશ. આવી વાતો આ નવી જનરેશન સ્વીકારશે ? અપનાવશે ? શું લાગે છે આપને ?



નીતા શાહ

No comments: