મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

ગરબા :૧,૨,૩......

ગરબો 1
રાગ: મુખડાની માયા લાગી રે…

દિવડાની જ્યોત તારી રે,
માં અંબા વ્હાલા…(2)

જ્યોત તારી ભરી આંખે,
શક્તિ ફૂટી અંતરયાળે…(2)
અસતે જ્યાં સત ભારે રે,
માં અંબા વ્હાલા..(2)
દિવડાની જ્યોત…

ગોળગોળ ગરબે ઘુંમતાં,
સાથે ત્રણ તાલી લેતાં… (2)
ગર્ભદીપ શીરે મુકતાં રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

ગર્ભદીપે છિદ્રો નાનાં,
છલકાવે તેજ ‘મા’ ના, (2)
ગગને ટમટમતાં તારા રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

પૂર્ણ જગની જનની તું,
ઘણું ખમતી ધરતી તું, (2)
આંખે અમી હું તો ભાળું રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

નારી હું ય, નારી તું ય,
નારી વત્તા શક્તિ બેય,(2)
શક્તિ કેરી જ્યોત ભાલ રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

વેલ વિશર સખીઓ સારી,
બેઠાં ગરબે ગીતો ગાતી, (2)
આરાધ્ય માં ગબ્બરવાળી રે
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

નીતા.શાહ




ગરબો 2
રાગ: મીઠાં મધું ને મીઠાં..

અંબા દુર્ગા ને ‘મા’ કાળિકા રે લોલ
જગમાં છે એનો જયજયકાર રે…
નવલી નવરાત્રી સખી આંગણે રે લોલ..

આભા ચમકતી ‘મા નાં નેણમાં રે લોલ,
ભાલે કુમકુમ કેરી ભાત રે...નવલી

નવરંગ ચુંદડી ‘મા’ ને શોભતી રે લોલ
ચુંદડીમાં તારલાં અપાર રે… નવલી

પાયે રણઝણતી ‘મા’ ની ઝાંઝરી રે લોલ
જુઓ ચાલે ચમકતી ચાલ રે… નવલી

જગનો આધાર મારી માવડી રે લોલ
કરશે એ પાપનો વિનાશ રે… નવલી

ફેશન પરેડ ચાલે ગરબામાં રે લોલ
ક્લબોનો ધીકતો વેપાર રે...નવલી

લોકો ક્લબોમાં શું શોધતાં રે લોલ
સેલ્ફી ક્વીન બને નવલી નાર રે… નવલી

ગરબો ખોવાઈ ગયો શહેરમાં રે લોલ
ગોતો ઝટ એને ગામેગામ રે… નવલી…

અંબા દુર્ગા ને ‘મા’ કાળિકા રે લોલ
જગમાં છે એનો જયજયકાર રે
નવલી નવરાત્રી સખી આંગણે રે લોલ…

નીતા શાહ




ગરબો- 3
(રાગ: અમી ભરેલું અંતર જેનું)

અંબાજીનું મંદિર ભરિયું, ભક્તો હકડેઠઠ
ભાદરવી પૂનમે કરે પગપાળાં, અંબાનો હુકમ
   ગામેગામથી ભક્તો આવે
   માડીનો જયઘોષ બોલાવે

બારે મહિના વાટડી જોતાં, ક્યારે આવે પૂનમ
માડીનાં પાવન દરશન કરીને, પામું નવજીવન
   માડીનાં ચાચર ચોકે
   દિવા બળે સાતમે કોઠે

પગલે પગલે કુમકુમ ખરે ને, મુખડું ગુલાબી થાય
કુમકુમ કેરા ચાચર ચોકે, સૌના પાપ ધોવાય
   નવ ગજની ધજા ચડાવે
   માડીનો ગુંબજ શણગારે

અમી ભરેલી આંખો ‘મા’ ની, અંતરમાં ઉતરી જાય
આગ ભભૂકતી નજરું મળે તો, માફી ત્યાં મંગાય
   કાળુંધોળું સઘળું જાણે
   અસતે જ્યાં સત ભારે…

અંબાજીનું મંદિર ભરિયું, ભક્તો હકડેઠઠ
ભાદરવી પૂનમે કરે પગપાળાં, અંબાનો હુકમ….

નીતા શાહ

















.


No comments: