મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, October 5, 2016

ત્રણ પેઢી



 ફાર્મ હાઉસ



 પરિવારજનોએ નક્કી કર્યું
  ફાર્મ હાઉસ પર
  દિવાળી ઉજવવી

સૌના દિલ હિલ્લોળે ચડ્યા
કેટકેટલું ખડક્યું મોટરની ડીકીમાં ?
જાતજાતના નાસ્તા
અથાણું ને થેપલા
ફૂલ અને રેકેટ
બોલ અને બેટ
પત્તા ને ચેસ

એક મોટરમાં મહારાજ,ઘરઘાટી ને સામાન
બીજી મોટરમાં હું અને મારી પત્ની
મમ્મી અને પપ્પા
બા અને દાદાજી
સાથે તોફાની બારકસ
શ્લોકા અને વેદાંત


 અંતાક્ષરી રમતા રમતા
 ક્યારેક ભજન કે ગરબા
ક્યારેક હિન્દી ફિલ્મી ગીત
ક્યારેક અંગ્રેજી રાયમ્સ
બા નો તો ખુલ્યો ચોપડો ...

સુંદર બગીચો ને
સરસ મજાનો હિંચકો
આગળ જતા સુસજ્જ મઢુલી
કોયલ,કાબર ને કાગડો
કાઉકાઉ ને કુહુ કુહુ

દાદાજી તો ખુશખુશાલ
કોન્ક્રીટના જંગલમાંથી
પ્રકૃતિના ખોળે રમવાનો અવસર
કતારબંધ આંબા ને ચીકુડી
લીંબુડી ને દાડમડી

લાકડીનાં ટેકે થોડું આગળ જતાં,
આ શું ?
નજરે પડ્યું માટીનું ઢેફું
અને સરી પડ્યા ૧૯૫૦ ના ખેતરે

એ ય ડાંગરના ચાસ પાડ્યા હોય
બાજરાના ડોડા હિલ્લોળતા હોય
વાવણીનાં ગીતો ગવાતા હોય
રોટલા શાક ને છાશનું શિરામણ હોય
જમણી કોરા ગામનું ભાગોળ
ટેકરી પર દાદાનો ય દાદો વડદાદો હોય
વડદાદાનાં ખોળે હીંચતું બાળપણ હોય
થોડે આગળ રખોપા કરતી મા ખોડલની દેરી
સંધ્યાટાણે ઘંટારવ સાથે ગવાતી આરતી
એની સામે જ કાચી માટીનું ખોરડું
આંગણે ઢોલિયા પર ખૂંખારો કરતા ભાભા
હારે એમનો હૂકો....
ગુડગુડગુડ ...ગુડુગુ...ગુડ

મોતિયા  ઝરેલી આંખોએ
ચલચિત્રની જેમ દ્રશ્ય ઝીલ્યું
બેતાલાના કાચ પલળી રહ્યા'તા
બે દીવા ગોતી રહ્યા'તા
ખેતર
પાદર
ગામ
મંદિર
વડલો
ભાભો
પણ ....
અહી ફાર્મ હાઉસમાં ખેતર હતું?
હતુ તો ક્યાં હતું ?

 દોડતી દોડતી દીકરી શ્લોકા આવી
અરે, દાદાજી કેમ ક્રાય કરો છો ?
વ્હાલથી ગોદમાં લેતા દાદાજી બોલ્યા,
દીકરા, ઢેફું જોયું
દાદાજી ઢેફું કેવું હોય ?
દાદાજીએ માંડી વાત
શ્લોકાની અચરજ ભરી આંખો
અગણિત સવાલો
ભૂલાતા આપણા ગુજરાતી શબ્દો
પણ અંગ્રેજીને તો બાથે ભરીએ
શ્લોકા તાળીઓ પાડવા માંડી
કલેપ કલેપ કલેપ...
દાદાજીએ તો યમ્મી યમ્મી સ્ટોરી કહી



નીતા શાહ









No comments: