સ્તુતિ
આરતીબેન આજે ખુબ જ ખુશ હતા
કારણ આજે એમના એકના એક દીકરા વંદનના લગ્ન છે. જ્ઞાતીના એક સંસ્કારી કુળની દીકરી
સ્તુતિ ખુબ જ સુંદર અને સુશીલ છે. પતિના અવસાન પછી એકલે હાથે વંદન ને ભણાવ્યો
હતો.આજે એ સપ્તપદીના વચને બંધાવા જઈ રહ્યો છે.અને આરતીબેનનું હૈયું ગદગદિત થઇ ગયું
છે. હા,વંદન લગ્ન કરવાની આનાકાની કરતો હતો.થોડા ધમપછાડા પણ કર્યા છેવટે મમ્મીની
જીદ આગળ નમતું જોખ્યું કારણ તે તેની મમ્મીને દુઃખી કરવા નહોતો માંગતો. શહેરની
મધ્યમાં આવેલ એક નાનકડા હોલમાં વંદન અને સ્તુતિના લગ્ન થયા. ગૃહપ્રવેશ ની અને
પગફેરાની વિધિ પણ સંપન્ન થઇ ગઈ અને સમય વીતવા લાગ્યો. નવદંપતિ ખુશખુશાલ દેખાતું
હતું. આરતીબેનના પણ હરખ નો કોઈ પાર નહોતો. પુત્રવધુના રૂપમાં આવેલી સ્તુતિને સાસુ
નહિ પણ એક વ્હાલસોયી માતા બનીને પોંખી હતી. સ્તુતિએ એમબીએ કર્યું હોવા છતાં
લેશમાત્ર આછકલાઈ નહોતી. એના હાવભાવ, વાણી-વર્તન,રહેણીકરણી માં એના માવતરના સંસ્કાર
છલકાતા હતા. અને એક દિવસ અચાનક રાતે વંદન ચુપચાપ ઘર છોડીને જતો રહે છે.આરતીબેનના
નામે એક પત્ર મુકતો જાય છે.
વ્હાલી મમ્મી,
હું ઘર છોડીને જઈ રહ્યો છું. તને
દુઃખી કરવા નહોતો માંગતો પણ હું મજબુર છું. સ્તુતિ ખુબ જ સારી છોકરી છે. એનો કોઈ
વાંક નથી પણ વાંક મારો છે. કેવી રીતે અને કયા શબ્દોમાં વાત કરું સમજાતું નથી.
મમ્મી હું સ્તુતિને ખુશ નહિ રાખી શકું અને કોઈની દીકરીને દુઃખી કરવાનો મને કોઈ હક
નથી. હા, હું ગે છું મમ્મી. મને સ્ત્રીઓ પ્રત્યે કોઈ આકર્ષણ નથી.મને માફ કરી દેજે.
દર મહીને તને ઘર ખર્ચ મોકલાવી દઈશ.સ્તુતિ સાવ પવિત્ર છે. શક્ય છે કે એને કોઈ સારો
જીવનસાથી મળી જાય. મને શોધવાનો પ્રયત્ન ન કરતા.
તારો અભાગી પુત્ર,
વંદન.
આરતીબેન પત્ર વાંચીને પડી ભાંગ્યા અને સ્તુતિને
વળગીને ખુબ રોયા. સ્તુતિએ શાંત પાડ્યા ને કહ્યું'' મમ્મી હવે હું તમારો દીકરો
છું...હું અને વંદન તો ૬ મહિનાથી પતિપત્નીનું નાટક કરતા હતા.સાચું જીવન તો હવે હું
તમારી સાથે વીતાવીશ''
નીતા શાહ

No comments:
Post a Comment